'જસપ્રીત બુમરાહ તો જમણાં હાથે બોલિંગ કરતો વસીમ અકરમ છે...', ઑસ્ટ્રેલિયન દિગ્ગજે કર્યા વખાણ
Jasprit Bumrah: ઑસ્ટ્રેલિયાના પૂર્વ બેટર અને કોચ જસ્ટિન લેંગરે જસપ્રીત બુમરાહની સરખામણી વસીમ અકરમ સાથે કરી છે. ભારત વિ ઑસ્ટ્રેલિયા બોક્સિંગ ડે ટેસ્ટ મેચ પહેલા લેંગરે બુમરાહની પ્રશંસા કરતા કહ્યું હતું કે આ ભારતીય ફાસ્ટ બોલરનો સામનો કરવો બેટ્સમેન માટે દુઃસ્વપ્ન બની રહેશે.
સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાં બુમરાહ ટોચ પર
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં બુમરાહનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. 21 વિકેટ સાથે બુમરાહ સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં ટોચ પર છે. તેણે પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્ક કરતાં 7 વિકેટ વધુ લીધી છે.
જસ્ટિન લેંગરે કર્યા બુમરાહના વખાણ
જસ્ટિન લેંગરે કહ્યું, 'મને બુમરાહનો સામનો કરવો બિલકુલ પસંદ નથી. તે વસીમ અકરમ જેવો છે. મારા માટે, તે જમણાં હાથે બોલિંગ કરતો વસીમ અકરમ છે અને જ્યારે પણ મને પૂછવામાં આવે છે કે 'મારી અત્યાર સુધી ગેમમાં મેં ક્યાં સૌથી સારા બોલરનો સામનો કર્યો છે, તો હું કહું છું, વસીમ અકરમ.'
જસપ્રીત બુમરાહ તો જમણાં હાથે બોલિંગ કરતો વસીમ અકરમ છે: લેંગર
જસ્ટિન લેંગર વધુમાં કહ્યું કે, 'વસીમ અકરમની બોલિંગ સ્પીડ સારી છે. તેના જેવા મહાન બોલરોની એક ખાસિયત હોય છે એક જ લાઇન લેન્થ પર બોલિંગ કરે છે. તેમજ તે બોલ બાઉન્સ કરવામાં માહેર છે. અકરમ જે રીતે બોલિંગ કરતો હતો, તે બોલ પર આંગળીઓનો અદભૂત રીતે ઉપયોગ કરતો હતો અને આવુ જ કંઇક બુમરાહ કરે છે. તેનો બોલ પણ અકરમની જેમ જ કોઈ પણ દિશામાં જઈ શકે છે. મારા માટે અકરમની બોલિંગનો સામનો કરવો એક દુઃસ્વપ્ન સમાન બાબત હતી અને આવું જ કંઇક બુમરાહ સાથે પણ થાય છે.'
જો બુમરાહ ફિટ રહેશે ઑસ્ટ્રેલિયન બેટર્સની મુશ્કેલી વધશે
લેંગરે બુમરાહ વિષે વાત કરતા કહ્યું કે, 'મને બુમરાહનો સામનો કરવો પસંદ નથી. તે એક સારો હરીફ છે. તે ફાસ્ટ બોલિંગ કરે છે અને તે અદ્ભુત છે. મેં સિરીઝની શરૂઆતમાં કહ્યું હતું કે જો બુમરાહ ફિટ રહેશે તો ઑસ્ટ્રેલિયન બેટર્સ માટે તે ખૂબ જ મુશ્કેલ રહેશે, જો તે ફિટ નહીં રહે તો મને લાગે છે કે ઑસ્ટ્રેલિયા આસાનીથી સિરીઝ જીતી લેશે.'