ભારતીય ખેલાડીની મોટી સિદ્ધિ, દુનિયાનો નંબર વન ટેસ્ટ બોલર બન્યો, પહેલીવાર થયું આવું
ઇંગ્લેન્ડ સામે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં બુમરાહે 9 વિકેટ ઝડપી હતી
Image:Twitter |
Jasprit Bumrah Number 1 Test Bowler : આજનો દિવસ ભારત માટે ઐતિહાસિક દિવસ છે, કારણ કે ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 પર પહોંચી ગયો છે. બુમરાહ પ્રથમ વખત ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચ્યો છે. આવી સ્થિતિમાં બુમરાહે એક રીતે ઈતિહાસ રચ્યો છે. બુમરાહ આ પહેલા ક્યારેય ICC ટેસ્ટ રેન્કિંગમાં ત્રીજા સ્થાનથી ઉપર નથી પહોંચ્યો. બુમરાહે વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં 9 વિકેટ ઝડપી હતી. તેના શાનદાર પ્રદર્શનના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ પણ મળ્યો હતો.
બીજી ટેસ્ટ મેચમાં બુમરાહે 9 વિકેટ ઝડપી
ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઇંગ્લેન્ડ સામે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગમાં 6 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ બીજી ઈનિંગમાં 3 વિકેટ પોતાના નામે કરી હતી. બુમરાહે આ મેચમાં 91 રન આપીને 9 વિકેટ ઝડપી હતી. બુમરાહના શાનદાર પ્રદર્શનના કારણે ભારતે 5 મેચની સીરિઝમાં 106 રનથી શાનદાર વાપસી કરી હતી. આ રીતે બંને દેશો વચ્ચે 5 ટેસ્ટ મેચોની સીરિઝ 1-1થી બરાબર થઈ ગઈ છે.
બુમરાહે 2024માં બે વખત 5 વિકેટ હોલ પોતાના નામે કર્યું
જસપ્રીત બુમરાહ વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન સૌથી ઝડપી 150 વિકેટ લેનાર ભારતીય ફાસ્ટ બોલર બની ગયો હતો. બુમરાહે વર્ષની શરૂઆતમાં કેપટાઉનમાં સાઉથ આફ્રિકા સામે 61 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. હવે ઇંગ્લેન્ડ સામે વિશાખાપટ્ટનમમાં 45 રન આપીને 6 વિકેટ ઝડપી વર્ષ 2024 માટે બે વખત 5 વિકેટ હોલ પોતાના નામે કરી ચૂક્યો છે.