ન્યૂઝીલેન્ડ સામે ત્રણ વિકેટ ખેરવી બુમરાહે રચ્યો ઈતિહાસ, આ ખાસ રેકૉર્ડની કરી બરાબરી
Jasprit Bumrah Make Record : બેંગલુરુ ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું હતું. 36 વર્ષ બાદ પહેલી વખત ન્યુઝીલેન્ડે ભારતને ઘરઆંગણે ટેસ્ટ મેચમાં હરાવ્યું છે. ભારતીય ટીમ ભલે ટેસ્ટ મેચમાં હારી ગઈ હોય. પરંતુ ભારતના નંબર વન ઝડપી બોલર જસપ્રીત બુમરાહે પોતાની બોલિંગથી ઈતિહાસ રચી દીધો છે. બુમરાહે આ ટેસ્ટ મેચમાં 3 વિકેટ ઝડપી હતી. બુમરાહે અત્યાર સુધી 39 ટેસ્ટ મેચમાં કુલ 173 વિકેટ ઝડપી છે.
આવું કરીને બુમરાહે વિશ્વના બે મહાન બોલરોના ખાસ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. બુમરાહે ન્યૂઝીલેન્ડના પૂર્વ ઝડપી બોલર રિચર્ડ હેડલી અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઝડપી બોલર ગ્લેન મેકગ્રાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. રિચર્ડ હેડલી અને ગ્લેન મેકગ્રાએ પોતાની કારકિર્દીની પહેલી 39 ટેસ્ટ મેચોમાં કુલ 173 વિકેટ ઝડપી હતી. હવે બુમરાહે તેની પહેલી 39 ટેસ્ટ મેચો બાદ કુલ 173 વિકેટ પોતાના નામે કરવામાં સફળતા મેળવી છે. તેની સાથે જ બુમરાહે બે મહાન બોલરોના આ ખાસ રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
39 ટેસ્ટ પછી સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી
173 વિકેટ - રિચાર્ડ હેડલી
173 વિકેટ - ગ્લેન મેકગ્રા
173 વિકેટ- જસપ્રિત બુમરાહ
આ પણ વાંચો : પહેલી મેચ હારતાં જ ટીમ ઈન્ડિયામાં ફેરબદલ! ત્રણ વર્ષ બાદ આ સ્ટાર ખેલાડીની એન્ટ્રી
આ સાથે જ બુમરાહ WTC(ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ, 2023-2025)માં સૌથી વધુ વિકેટ લેનારો વિશ્વનો પાંચમો બોલર બની ગયો છે. WTC 2023-25માં બુમરાહ અત્યાર સુધીમાં કુલ 45 વિકેટ લેવામાં સફળ રહ્યો છે. આ સાથે WTCના ઈતિહાસમાં બુમરાહના નામે અત્યાર સુધીમાં કુલ 124 વિકેટ નોંધાઈ ગઈ છે. WTCના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારો બુમરાહ વિશ્વનો છઠ્ઠો બોલર છે.