બુમરાહને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ન બનાવી શકાય! પૂર્વ ભારતીય ક્રિકેટરે કેમ આવું કહ્યું?
Dinesh Karthik on Bumrah: ભારતીય ટીમના પૂર્વ વિકેટકીપર બેટર દિનેશ કાર્તિકે ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને કેપ્ટનશિપ સોંપવાના સવાલ પર ચોંકાવનારો જવાબ આપ્યો છે. કાર્તિકનું માનવું છે કે હાલ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રમી રહેલા ફાસ્ટ બોલર બુમરાહ માટે કેપ્ટનશિપ સંભાળવી મુશ્કેલ હશે. અગાઉ બુમરાહે ટેસ્ટ અને ટી20 ક્રિકેટમાં ભારતીય ટીમની કપ્તાની કરી છે. તેના નેતૃત્વમાં ભારતે આયર્લેન્ડ સામેની શ્રેણી 2-0થી જીતી હતી.
T20 વર્લ્ડકપમાં વિજય મેળવ્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યાર પછી ઝિમ્બાબ્વે પ્રવાસ પર યુવા ક્રિકેટર શુભમન ગિલને ટીમની કમાન સોંપવામાં આવી હતી. જ્યારે શ્રીલંકા પ્રવાસ પર સૂર્યકુમાર યાદવને T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને રોહિતે વન-ડે ટીમની આગેવાની કરી હતી. જો કે હજુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ત્રણેય ફોર્મેટમાં કાયમી કેપ્ટનની શોધમાં છે. આ દરમિયાન જસપ્રિત બુમરાહને કેપ્ટનશિપ આપવાના સવાલ પર કાર્તિકે મોટું નિવેદન આપ્યું છે. કાર્તિકનું માનવું છે કે બુમરાહ જેવા ફાસ્ટ બોલર માટે તેની ફિટનેસ સૌથી મહત્વપૂર્ણ છે. તેને મહત્વની મેચોમાં રમવાની તક આપવી જોઈએ.
આ પણ વાંચો: કોણે કહ્યું ઘૂંટણમાં તકલીફ છે? ક્રિકેટમાં જ નહીં, બીજી રમતો પણ કેવા કુદકા લગાવે છે જુઓ
કાર્તિકે કહ્યું હતું કે, "બુમરાહ જેવા ઝડપી બોલર માટે તેની ફિટનેસ પર ધ્યાન રાખવાની ખાસ જરૂર છે અને તેને એક ખેલાડી તરીકે ટીમે સુરક્ષિત રાખવાની જરૂર છે. તેને માત્ર મહત્વની મેચોમાં જ રમવાની તક આપવી જોઈએ. બુમરાહ કોહિનૂર હીરા જેવો છે." આપણે તેનું રક્ષણ કરવું પડશે, તેની યોગ્ય રીતે સંભાળ રાખવી પડશે અને ખાતરી કરવી પડશે કે તે લાંબા સમય સુધી ક્રિકેટ રમી શકે."
બુમરાહને સુકાનીપદ સોંપવાના પ્રશ્ન પર કાર્તિકે કહ્યું હતું કે 'બુમરાહમાં મહાન કેપ્ટન બનવાના તમામ ગુણો છે. પરંતુ પસંદગીકારો માટે સૌથી મોટો પ્રશ્ન એ રહેશે કે તે ક્રિકેટના તમામ ફોર્મેટમાં સતત રમી શકે એટલો ફિટ છે કે નહીં?'
કાર્તિકે ઉમેર્યું હતું કે, 'બધું બરાબર છે. બુમરાહ શાંત અને પરિપક્વ ખેલાડી છે, પરંતુ તે ફાસ્ટ બોલર છે, શું તે ત્રણેય ફોરમેટમાં રમી શકે એમ છે? તે પસંદગીકારો સમક્ષ સૌથી મોટો પ્રશ્ન હશે.'