બુમરાહની બોલિંગ એક્શન ગેરકાયદે? ઑસ્ટ્રેલિયામાં લગાવાયો ગંભીર આરોપ, તપાસની માંગ
Ian Maurice allegations on Bumrah's bowling action : ભારતીય ટીમના દિગ્ગજ બોલર અને વાઇસ કૅપ્ટન જસપ્રિત બુમરાહે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયન બેટરો સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. બુમરાહે 3 મેચમાં 20થી વધુ વિકેટ ઝડપી હતી. વિશ્વના નંબર 1 ટેસ્ટ બોલર બુમરાહે ઓસ્ટ્રેલિયાન બેટરોને ખૂબ જ પરેશાન કર્યા હતા. જો કે, મેલબોર્નમાં રમાનારી ચોથી ટેસ્ટ પહેલાં બુમરાહ પર ગેરકાયદે બોલિંગ એક્શનનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બ્રોડકાસ્ટર ઇયાન મોરિસે લગાવ્યો આરોપ
મેલબોર્ન ટેસ્ટ પહેલા બુમરાહની બોલિંગ ઍક્શનને લઈને ચર્ચા છેડાઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાના અનુભવી ક્રિકેટ બ્રોડકાસ્ટર ઇયાન મોરિસે તેની બોલિંગ ઍક્શન પર સવાલ ઉઠાવ્યા છે. તેણે 'X' પર લખ્યું હતું કે, 'ભારતીય ઝડપી બોલર બુમરાહના બોલ પર કોઈએ સવાલ કેમ ન ઉઠાવ્યો? હું એમ નથી કહેતો કે તે થ્રો ફેંકી રહ્યો છે, પરંતુ જ્યારે બુમરાહ બોલને ડિલિવરી કરે છે ત્યારે તેના હાથની સ્થિતિની તપાસ થવી જોઈએ.'
અગાઉ પણ બુમરાહની બોલિંગને લઈને સવાલો થયા હતા
આવું પહેલીવાર નથી બન્યું કે જ્યારે બુમરાહની બોલિંગ ઍક્શન પર સવાલ ઉઠાવવામાં આવ્યા હોય. અગાઉ બુમરાહને તેની અનોખી ઍક્શનને કારણે આવી બાબતોનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બુમરાહે પર્થ ટેસ્ટમાં પહેલી ઇનિંગમાં 5 વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયાને 104 રનમાં આઉટ કરી દીધું હતું. ત્યારે તેની બોલિંગ ઍક્શનને લઈને સોશિયલ મીડિયા પર અનેક સવાલો અને ચર્ચાઓ થવા લાગી હતી.
બોર્ડર ગાવસ્કર ટ્રોફી બુમરાહનું શાનદાર પ્રદર્શન
જસપ્રિત બુમરાહે હાલમાં ચાલી રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રણ ટેસ્ટ મેચની 6 ઇનિંગ્સમાં 21 વિકેટ ઝડપી છે. ગાબા ટેસ્ટ દરમિયાન તે ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બન્યો હતો. ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધી તેણે 20 ઇનિંગ્સમાં કુલ 53 વિકેટ ઝડપી છે. બુમરાહે આ મામલે દિગ્ગજ કપિલ દેવનો રૅકોર્ડ તોડી નાખ્યો છે. કપિલ દેવે ઓસ્ટ્રેલિયામાં 51 ટેસ્ટ વિકેટ લીધી હતી.