ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતીયો છવાયા, બુમરાહ ફરી નંબર 1 બોલર, યશસ્વી-કોહલીને પણ ફાયદો
Image Source: Twitter
Jasprit Bumrah No.1 ICC Test Bowler: બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના પર્થ ટેસ્ટમાં 295 રનોની જીત બાદ તાજેતરના ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓને મોટો ફાયદો થયો છે. બુધવારે જારી કરવામાં આવેલા રેન્કિંગમાં જસપ્રીત બુમરાહ ફરીથી નંબર 1 બોલર બની ગયો છે. બીજી તરફ યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલીને પણ આ રેન્કિંગમાં ફાયદો થયો છે. પર્થમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શનના કારણે ભારતના સ્ટાર બોલર બુમરાહે બીજી વખત કરિયરની શ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કરી છે. તે તાજેતરની ICC મેન્સ ટેસ્ટ બોલર રેન્કિંગમાં ફરીથી નંબર 1 બોલર બની ગયો છે.
બુમરાહ ફરી નંબર 1 બોલર
બુમરાહે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સીરિઝ હેઠળ યોજાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં ભારતની 295 રનની જીત દરમિયાન 8 વિકેટ ખેરવી હતી. તે મેચમાં 'પ્લેયર ઓફ ધ મેચ' રહ્યો હતો. આ પ્રદર્શનને કારણે બુમરાહ તેની જૂની રેન્કિંગમાંથી બે નંબરની છલાંગ લગાવી લીધી છે. તેણે દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગીસો રબાડા અને ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડને પાછળ છોડી દીધા છે. આમ તેણે ફરીથી ICC રેન્કિંગના ટેસ્ટ બોલિંગના સિંહાસન પર કબજો જમાવી લીધો છે.
બુમરાહ ફેબ્રુઆરી 2024માં ઈંગ્લેન્ડ સામે વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં 9 (6+3) વિકેટ લઈને પ્રથમ વખત ટોપ પર પહોંચ્યો હતો. ત્યારબાદ તે ઓક્ટોબરમાં બાંગ્લાદેશ સામેની સીરિઝમાં ફરીથી ટોચ પર આવી ગયો હતો, પરંતુ તાજેતરના અઠવાડિયામાં કાગિસો રબાડાએ તેને પાછડ છોડી દીધો હતો.
મોહમ્મદ સિરાજને પણ ICC રેન્કિંગમાં ફાયદો
ભારતીય ટીમના વધુ એક ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને પણ ICC રેન્કિંગમાં ફાયદો થયો છે. આ ફાસ્ટ બોલરે ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં પાંચ વિકેટ ઝડપી હતી. આ કારણે તે ત્રણ સ્થાનના સુધારા સાથે 25માં સ્થાન પર પહોંચી ગયો છે.
જો રૂટને પાછળ છોડી દેશે યશસ્વી જયસ્વાલ
ટેસ્ટ બેટ્સમેનોની રેન્કિંગમાં ઈંગ્લેન્ડનો અનુભવી ખેલાડી જો રૂટ હજુ પણ નંબર 1 પર છે. પરંતુ યશસ્વી જયસ્વાલ હવે તેને રેન્કિંગમાં પડકાર આપી રહ્યો છે. હવે યશસ્વી જયસ્વાલ લેટેસ્ટ રેન્કિંગમાં નંબર 2 ટેસ્ટ બેટ્સમેન બની ગયો છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે બીજી ઈનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. જે પર્થ ટેસ્ટમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો. આ ઐતિહાસિક ઈનિંગ્સના કારણે તે બે સ્થાન આગળ વધીને બીજા સ્થાને પહોંચી ગયો છે. બીજી તરફ તેણે પોતાની કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ રેટિંગ પોઈન્ટ 825 પણ હાંસલ કર્યો, જે જો રૂટના 78 રેટિંગ પોઈન્ટ્સથી માત્ર થોડો જ પાછળ છે.
ઓસ્ટ્રેલિયાનો તોફાની લેફ્ટી બેટ્સમેન ટ્રેવિસ હેડ પર્થમાં પોતાની 89 રનની ઈનિંગ બાદ ત્રણ સ્થાન આગળ વધીને 10મા સ્થાન પર પહોંચી ગયો છે. બીજી તરફ વિરાટ કોહલી તેની 30મી ટેસ્ટ સદી બાદ નવ સ્થાન આગળ વધીને 13મા સ્થાન પર પહોંચી ગયો છે. ભારતીની જોડી રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં ટોપ 2 સ્થાન પર યથાવત છે. જો કે, બંનેમાંથી એક પણ ઓસ્ટ્રેલિયા સામેની પ્રારંભિક ટેસ્ટમાં રમ્યા નહોતા.