પાકિસ્તાનની ટીમને લાગ્યો ઝટકો, PCBએ અપમાન કર્યું તો વધુ એક કોચે રાજીનામું આપ્યું
Jason Gillespie resigns from head coach : પાકિસ્તાન ક્રિકેટ ટીમના મુખ્ય કોચ પદેથી ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઝડપી બોલર જેસન ગિલેસ્પીએ રાજીનામું આપી દીધું છે. કેટલાક દિવસોની અનિશ્ચિતતા બાદ આખરે તેની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ગિલેસ્પીએ પાકિસ્તાન ટીમ સાથે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે જનારી ફ્લાઇટ પકડી ન હતી. એડિલેડથી ગિલેસ્પીની ફ્લાઇટ સવારે 6 વાગ્યે હતી, પરંતુ તેણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને જાણ કરી હતી કે, મારો દક્ષિણ આફ્રિકા જવાનો કોઈ ઈરાદો નથી. આ સાથે તેણે પદ પરથી રાજીનામું આપવાની વાત કહી હતી.
ગિલેસ્પીના સ્થાને આકિબ જાવેદ બન્યો નવો કોચ
જેસન ગિલેસ્પીના રાજીનામ બાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ ઝડપી બોલર આકિબ જાવેદને ટીમનો નવો વચગાળાનો કોચ બનાવવામાં આવ્યો છે. તે હવે આ જવાબદારી સંભાળશે અને થોડા દિવસો પછી PCB(Pakistan Cricket Board) નવા મુખ્ય કોચની જાહેરાત કરશે. ગિલેસ્પીને રેડ બોલ ફોર્મેટમાં કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ વ્હાઇટ બોલના કોચ ગેરી કર્સ્ટનના રાજીનામા બાદ ગિલેસ્પીને તમામ ફોર્મેટની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમના કોચિંગ હેઠળ પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે વનડે સીરિઝમાં હરાવ્યું હતું.
PCB અને ગિલેસ્પી વચ્ચે સંબંધોમાં સતત તણાવ
ઘણાં સમયથી PCB અને ગિલેસ્પી વચ્ચે બધું યોગ્ય ચાલી રહ્યું ન હતું. બોર્ડે તાજેતરમાં ટીમના બોલિંગ કોચ ટિમ નીલ્સનનો કરાર લંબાવ્યો ન હતો. આ વાતથી ગિલેસ્પી નારાજ થઈ ગયો હતો. તે એ વાત પર ગુસ્સે હતો કે, બોર્ડે તેને આ વિશે કંઈ પૂછ્યું ન હતું. ગિલેસ્પીને લાગ્યું કે આ તેનું અપમાન છે. એક અહેવાલ અનુસાર, PCBએ થોડા દિવસોથી તેની સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક કર્યો ન હતો. ગિલેસ્પીના ગયા બાદ આકિબ હવે તમામ ફોર્મેટમાં ટીમનો વચગાળાનો કોચ રહેશે. PCBએ પહેલાથી જ મન બનાવી લીધું હતું કે બોર્ડ વિદેશી કોચ રાખવાને બદલે પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડીઓને તક આપશે.
આ પણ વાંચો : ગુકેશ સામે ચીની પ્લેયર જાણી જોઈને હાર્યો: રશિયન ચેસ ફેડરેશનનો ગંભીર આરોપ
પાકિસ્તાની ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે
પાકિસ્તાન દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન બે મેચની ટેસ્ટ સીરીઝ રમશે. 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં પહેલી ટેસ્ટ મેચ અને બીજી ટેસ્ટ 3 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાશે. પાકિસ્તાની ટીમને તાજેતરમાં ઘણી વખત શરમજનક સ્થિતિમાં મૂકાવવું પડ્યું હતું. ટીમમાં વિભાજન થવાના સમાચારે વાતાવરણ ઘણું બગાડી દીધું છે. એવું માનવામાં આવતું હતું કે ટીમમાં શાહીન શાહ આફ્રિદી અને બાબર આઝમના બે જૂથ બની ગયા છે. જે ટીમ માટે મુશ્કેલી સર્જી રહ્યા હતા. આ બંનેને ઇંગ્લૅન્ડ સામેની તાજેતરની ઘરઆંગણે રમાયેલી સીરિઝની પહેલી મેચ બાદ ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ ટીમે બંને ટેસ્ટ મેચ જીતી હતી.