41 વર્ષની ઉંમરે જેમ્સ એન્ડરસનો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં 700 વિકેટ લેનાર પ્રથમ ફાસ્ટ બોલર બન્યો
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે મુથૈયા મુરલીધરન ટોપ પર છે
Image:Twitter |
James Anderson : ઈંગ્લેન્ડના સૌથી અનુભવી ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને ભારત સામે રમાઈ રહેલી પાંચમી ટેસ્ટ મેચમાં કુલદીપ યાદવની વિકેટ લઈને ઈતિહાસ રચી દીધો છે. કુલદીપ યાદવના રૂપમાં તેણે પોતાના ટેસ્ટ કરિયરની 700મી વિકેટ લીધી હતી. આ સાથે જ એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાં 700 વિકેટના આંકડાને સ્પર્શનાર પ્રથમ ફાસ્ટ બોલર અને વિશ્વનો ત્રીજો ખેલાડી બની ગયો છે. એન્ડરસન પહેલા મુથૈયા મુરલીધરન અને શેન વોર્ને ટેસ્ટ ક્રિકેટમાં આ કમાલ કરી હતી. એન્ડરસનને આ સિદ્ધિ મેળવવા માટે 187 મેચોની 348 ઇનિંગ્સનો સમય લાગ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં ફાસ્ટ બોલર તરીકે સૌથી વધુ બોલ ફેંકવાનો વર્લ્ડ રેકોર્ડ પણ એન્ડરસનના નામે છે. તેના 21 વર્ષના લાંબી ટેસ્ટ કરિયરમાં તેણે અત્યાર સુધીમાં લગભગ 40 હજાર બોલ ફેંક્યા છે.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
મુથૈયા મુરલીધરન - 800
શેન વોર્ન - 708
જેમ્સ એન્ડરસન - 700
અનિલ કુંબલે - 619
સ્ટુઅર્ટ બ્રોડ - 604
ટેસ્ટ ક્રિકેટમાં 700 વિકેટ લેનાર સૌથી વધુ ઉંમરનો ખેલાડી
જેમ્સ એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાં 700 વિકેટ લેનાર સૌથી વધુ ઉંમરનો ખેલાડી પણ બની ગયો છે. આ ફાસ્ટ બોલરે 41 વર્ષ અને 223 દિવસની ઉંમરમાં આ સિદ્ધિ મેળવી હતી, જ્યારે તેની પહેલા શેન વોર્ને 37 વર્ષ અને 104 દિવસની ઉંમરમાં 700 વિકેટ ઝડપી હતી, જ્યારે મુરલીધરને 700 વિકેટ પૂરી કરી ત્યારે તેની ઉંમર 35 વર્ષ અને 88 દિવસ હતી.