Get The App

James Anderson: ટેસ્ટ ક્રિકેટમાં દુનિયાના મહાનતમ ફાસ્ટ બોલરની ઈમોશનલ વિદાય, જતાં જતાં એક રંજ રહી જશે

Updated: Jul 12th, 2024


Google NewsGoogle News
james anderson


Jimmy Anderson Retirement: ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં 700 વિકેટ લેનાર એકમાત્ર ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનને જીત સાથે કાયમ માટે ક્રિકેટના મેદાન પરથી વિદાય લઈ લીધી છે. ઇંગ્લેન્ડે તેના સ્ટાર ફાસ્ટ બોલરના રિટાયરમેન્ટને યાદગાર બનાવ્યું હતું. લંડનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને એક દાવ અને 114 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ઈંગ્લેન્ડની ટીમ 3 મેચની શ્રેણીમાં 1-0થી આગળ થઈ ગઈ છે. 

21 વર્ષની કારકિર્દીનો અંત 

જેમ્સ એન્ડરસને 21 વર્ષ સુધી ક્રિકેટ રમીને, 188 મેચ બાદ પોતાની ટેસ્ટ કારકિર્દીને અલવિદા કહી દીધું છે. જેમ્સ એન્ડરસન એકમાત્ર એવો ફાસ્ટબોલર છે જેણે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં 704 વિકેટ લીધી હોય. ઇંગ્લેન્ડે ત્રીજા દિવસે જ તેની ફેરવેલ ટેસ્ટ મેચ જીતી લીધી હતી. જીમીએ તેની છેલ્લી ટેસ્ટ મેચમાં કુલ 4 વિકેટ લીધી હતી. પ્રથમ દાવમાં 1 વિકેટ લેનાર એન્ડરસને બીજી ઇનિંગમાં 3 વિકેટ ઝડપી હતી.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ત્રીજા ક્રમે

ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાં જેમ્સ એન્ડરસન હવે ત્રીજા સ્થાને છે. જો કે તેની પાસે આ લિસ્ટમાં બીજા ક્રમે આવવાની પણ તક હતી. પણ તે ઈચ્છા પુરી થઈ શકી નહોતી અને તેણે આ સ્વીકાર સાથે હસતાં હસતાં મેદાનમાંથી વિદાય લીધી હતી. ટેસ્ટ ક્રિકેટમાં વિકેટ લેવાના મામલે શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મુથૈયા મુરલીધરન 800 વિકેટ સાથે પ્રથમ ક્રમે છે. જ્યારે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન લેગ સ્પિનર ​​શેન વોર્ન 708 વિકેટ સાથે બીજા ક્રમે છે. 

એન્ડરસન ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારો ફાસ્ટ બોલર છે. તેની છેલ્લી મેચને ખાસ બનાવતા ત્રીજા દિવસે એન્ડરસન મેદાન પર આવે તે પહેલા બંને ટીમના ખેલાડીઓએ તેને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. આ દરમિયાન તે એકદમ ભાવુક દેખાઈ રહ્યો હતો. એન્ડરસનનો પરિવાર પણ આ સમયે મેદાનમાં હાજર હતો.

ઈંગ્લેન્ડે લોર્ડ્સ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં ઓપનર જેક ક્રોલી, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક અને જેમી સ્મિથની અડધી સદીની મદદથી 371 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની પ્રથમ ઈનિંગ 121 રનમાં સમેટાઈ ગઈ હતી. ઈંગ્લેન્ડને પ્રથમ દાવમાં 250 રનની લીડ મળી હતી. યજમાન ટીમે બીજા દાવમાં બેટિંગ કરવાને બદલે વિન્ડીઝને ફરી બેટિંગનું આમંત્રણ આપી એક ઇનિંગ અને 141 રને મેચ જીતી લીધી હતી. 


Google NewsGoogle News