1000થી વધુ વિકેટો ઝડપી ચૂકેલા ધૂરંધર બોલરે કહ્યું - 'સચિન સામે બોલિંગ કરવી સૌથી અઘરી'
Image : Twitter |
James Anderson: ઈંગ્લેન્ડનો લિજેન્ડરી ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન વેસ્ટ ઈન્ડિઝ સામે 188મી અને કરિયરની અંતિમ મેચ રમી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ રહેલા ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલરે એક મોટો ખુલાસો કર્યો છે. પોતાની છેલ્લી મેચ પહેલા આપેલા એક ઈન્ટરવ્યુંમાં કરિયર દરમિયાન થયેલા અનુભવો શેર કર્યા હતા. પોતાના અનુભવ શેર કરતી વખતે ભારતના મહાન બેટર સચિન તેંડુલકરનો પણ ઉલ્લેખ કર્યો હતો.
સચિન શ્રેષ્ઠ બેટ્સમેન છે
જેમ્સ એન્ડરસને બોલિંગમાં અનેક રેકોર્ડ ધરાશાયી કર્યા છે. હાલ ક્રિકેટના મક્કા ગણાતા લોડ્સમાં વેસ્ટ ઈન્ડિઝ સામે કરિયરની અંતિમ ટેસ્ટ રમી રહેલા એન્ડરસને પોતાની ઘાતક બોલિંગથી ભલભલા બેટરને આઉટ કર્યા છે. છેલ્લી ટેસ્ટ અગાઉ એક ઈન્ટરવ્યુંમાં જ્યારે પૂછવામાં આવ્યું કે કરિયર દરમિયાન ક્યાં બેટર સામે બોલિંગ કરવી સૌથી મુશ્કેલ હતી, તો તેણે તરત જ ભારતના મહાન બેટર સચિન તેંડુલકરનું નામ લીધું હતું.
સચિનની વિકેટ મોટી ગણાતી
એન્ડરસને કહ્યું કે, 'મને લાગે છે કે સચિન તેંડુલકર સર્વશ્રેષ્ઠ બેટર છે. મને યાદ નથી કે સચિન સામે મારો કોઈ ખાસ ગેમ પ્લાન હતો. તે જ્યારે પણ મેદાન પર આવતા ત્યારે હું માત્ર એટલું જ વિચારતો કે મારે અહીં ખરાબ બોલ ફેંકવાનો નથી, સચિન એવો ખેલાડી હતો. તે ભારત માટે મહત્ત્વપૂર્ણ હતા. જો તમે સચિનને ભારતમાં આઉટ કરો તો મેદાન પરનો માહોલ જ બદલી જતો હતો. આ મોટી વિકેટ ગણાતી હતી. મે આ મહાન ભારતીય બેટર સામે બોલિંગનો સૌથી વધુ આનંદ લીધો હતો.'
એન્ડરસને ટેસ્ટમાં 700થી વધુ વિકેટ ઝડપી છે
નોંધનીય છે કે પોતાના કરિયર દરમિયાન એન્ડરસને તેંડુલકરને 9 વખત આઉટ કર્યો છે. જેમ્સ એન્ડરસને અત્યાર સુધીમાં 703 ટેસ્ટ વિકેટ પોતાના નામે કરી છે, જ્યારે વનડે ઈન્ટરનેશનલ (ODI)માં તેના નામે 294 અને T20 ઈન્ટરનેશનલમાં તેના ખાતામાં 18 વિકેટ છે. એન્ડરસને ભારત સામેની 39 ટેસ્ટ મેચોમાં 149 વિકેટ ઝડપી છે અને 6 વખત પાંચ વિકેટ ઝડપી હતી. એન્ડરસને જુલાઈ 2014માં નોટિંગહામમાં ભારત સામેની 81 રનની ઈનિંગને પણ તેની 'ગૌરવપૂર્ણ' સિદ્ધિઓમાંની એક ગણાવી હતી. આ ઉપરાંત એન્ડરસન પણ સચિન તેંડુલકર પછી સૌથી વધુ ટેસ્ટ રમનાર ખેલાડી છે. સચિને તેની કારકિર્દીમાં કુલ 200 ટેસ્ટ રમી હતી જ્યારે એન્ડરસને 188 ટેસ્ટ બાદ નિવૃતિ જાહેર કરી છે.