400 વિકેટ અને 6000 રન બનાવી ભારતીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ, પહેલીવાર કોઈએ કર્યું આ કારનામું
Image Source: Twitter
Jalaj Saxena Create History: રણજી ટ્રોફી 2024માં હાલમાં ઉત્તર પ્રદેશ અને કેરળ વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે. આ મેચમાં જલજ સક્સેનાએ મોટું કારનામું કર્યું છે. મેચમાં કેરળની ટીમ માટે જલજ સક્સેનાએ શાનદાર બોલિંગ કરીને પાંચ વિકેટ ખેરવી ઉત્તર પ્રદેશને 162 રન પર જ સમેટી લેવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેની ઘાતક બોલિંગ સામે ઉત્તરપ્રદેશના બેટ્સમેન ટકી ન શક્યા અને રન બનાવવા માટે સંઘર્ષ કરતા નજર આવ્યા હતા. હાલમાં કેરળની ટીમે 2 વિકેટના નુકસાન પર 71 રન બનાવી લીધા છે.
જલજ સક્સેનાએ પ્રથમ ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી
જલજ સક્સેનાએ પ્રથમ ઈનિંગમાં 5 વિકેટ ઝડપીને ઈતિહાસ રચી દીધો અને તેણે રણજી ટ્રોફીમાં પોતાની 400 વિકેટ પૂરી કરી લીધી છે. રણજી ટ્રોફીમાં તે પહેલાથી જ 6000 રન બનાવી ચૂક્યો છે. જલજ સક્સેના રણજી ટ્રોફીમાં 400 વિકેટ અને 6000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. રણજી ટ્રોફીમાં તેના પહેલા કોઈ પણ ખેલાડી આવું કારનામું નથી કરી શક્યું.
રણજી ટ્રોફીમાં વર્ષ 2005માં કર્યું હતું ડેબ્યૂ
જલજ સક્સેનાએ વર્ષ 2005માં રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારે તે મધ્યપ્રદેશ તરફથી રમ્યો હતો. તે પોતાની ડેબ્યૂ મેચમાં એક પણ વિકેટ નહોતો લઈ શક્યો. અત્યાર સુધીમાં પોતાની 143 ફર્સ્ટ ક્લાસ મેચોમાં તેણે 6,795 રન બનાવ્યા છે, જેમાં 14 સદી સામેલ છે અને તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 194 રન રહ્યો છે. બોલિંગની વાત કરીએ તો તેણે 143 ફર્સ્ટ ક્લાસ મેચમાં 452 વિકેટ ઝડપી છે. સક્સેના પોતાની શાનદાર બોલિંગ અને બેટિંગ માટે જાણીતો છે.
હજું સુધી ટીમ ઈન્ડિયા માટે નથી કર્યું ડેબ્યૂ
રણજી ટ્રોફીમાં વર્ષ 2016 પછી જલજ સક્સેનાએ કેરળ તરફથી રમવાનું શરૂ કર્યું. ત્યારબાદ તેણે શાનદાર પ્રદર્શન કર્યું અને તેની કારકિર્દીમાં ક્યારેય પાછું વળીને નથી જોયું. ખાસ વાત એ છે કે બે દાયકા સુધી ઘરેલુ ક્રિકેટમાં રમ્યા બાદ પણ તેને ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કરવાની તક મળી નથી. તે રણજી ટ્રોફીમાં 400 વિકેટ પૂરી કરનારો 13મો ખેલાડી બની ગયો છે.