'ઈસ્ટ ઓર વેસ્ટ.. જાડેજા ઈઝ ધ બેસ્ટ', IPLમાં ઓલરાઉન્ડર દેખાવ કરીને બનાવ્યો જબરદસ્ત રેકોર્ડ
Image:IANS |
Ravindra Jadeja : IPL 2024ની 22મી મેચમાં ગઈકાલે ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં ટક્કર થઇ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સ 20 ઓવરમાં માત્ર 137 રન જ બનાવી શકી હતી. CSKના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની બોલિંગે KKRને 137ના સ્કોર પર રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જવાબમાં CSKએ 17.4 ઓવરમાં 3 વિકેટના નુકસાને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ મેચમાં જાડેજાએ 3 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન જાડેજા એ IPLનો એક મહારેકોર્ડ પોતાના નામે કર્યો હતો. કોઈ અન્ય ખેલાડી આ સિદ્ધિ મેળવી શક્યો નથી.
આ સિદ્ધિ મેળવનાર એકમાત્ર ક્રિકેટર
IPLના ઈતિહાસમાં રવિન્દ્ર જાડેજા એકમાત્ર એવો ખેલાડી છે જેણે 1000થી વધુ રન બનાવ્યા છે, 100થી વધુ વિકેટ લીધી છે અને 100 કેચ પણ લીધા છે. જાડેજાએ ચેન્નઈ સુપર કિંગ્સ, કોચ્ચિ ટસ્કર્સ કેરળ અને રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા આ સિદ્ધિ મેળવી છે. તે IPLમાં 2776 રન, 156 વિકેટ અને 100 કેચ લેવામાં સફળ રહ્યો છે.
જાડેજાએ કરી ધોનીની બરાબરી
રવિન્દ્ર જાડેજાને ગઈકાલે ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ચેન્નઈના ચેપોક સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે 4 ઓવરમાં 18 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ સાથે તે IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે 15 પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીતનાર બીજો ખેલાડી બન્યો છે. આ સાથે જાડેજાએ ધોનીની બરાબરી કરી લીધી છે. CSKના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ પણ 15 પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીત્યા છે.