પેરિસ ઓલિમ્પિકમાં મેડલ કેમ ચૂકી ગઈ મીરાબાઈ ચાનુ ? પોતે જ જણાવ્યું કારણ

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
Meerabai Chanu


Meerabai Chanu Reaction Paris olympic 2024:  દેશની સ્ટાર વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. ગઈકાલે વિનેશ ફોગાટ  ડિસ્કવોલિફાઈ થયા પછી, દરેકને મીરાબાઈ ચાનુ ગોલ્ડ મેડલ જીતવાની અપેક્ષા હતી પરંતુ મીરાબાઈ ચાનુ ચોથા ક્રમે રહી હતી અને પેરિસ ઓલિમ્પિકમાં કોઈ મેડલ જીતી શકી નહોતી. હવે ઓલિમ્પિકમાં હાર બાદ મીરાબાઈ ચાનુની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. મીરાબાઇ ચાનુએ કહ્યું કે, “ હું દેશ માટે મેડલ જીતવા માંગતી હતી પરંતુ મને એશિયન ગેમ્સમાં જ મોટી ઈજા થઈ હતી. મને સાજા થતા 4-5 મહિના લાગ્યા”

મીરાબાઈ ચાનુએ હારવાનું કારણ જણાવ્યું

મીરાબાઈ ચાનુએ કહ્યું કે, "દરેક વ્યક્તિ જાણે છે કે ખેલાડીઓ સાથે કંઈક ને કંઈક થતું રહે છે. મને પણ ઘણી ઈજાઓ થઈ છે. રિયોમાં તે મારી પ્રથમ ઓલિમ્પિક હતી,તેમાં પણ મારા હાથમાંથી મેડલ સરકી ગયો. એ જ રીતે દરેક ખેલાડીનું નસીબ ક્યારેક સારું અને ક્યારેક ખરાબ હોય છે. મારી સાથે પણ એવું જ કંઇક થયું છે. હું રિયોમાં મેડલ જીતવામાં નિષ્ફળ રહી. તે પછી હું વર્લ્ડ ચેમ્પિયન બની. તે પછી મેં ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો. મેં આ વખતે પણ મારાથી થાય એટલો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. હું દેશ માટે મેડલ જીતવા માંગતી હતી પરંતુ મને એશિયન ગેમ્સમાં જ મોટી ઈજા થઈ હતી. મને સાજા થતા 4-5 મહિના લાગ્યા. મારી પાસે ઓલિમ્પિક માટે બહુ ઓછો સમય હતો."

મીરાબાઈ ચાનુએ માફી માંગી

મીરાબાઈ ચાનુએ માફી માંગતા કહ્યું કે, "મેં મારાથી શ્રેષ્ઠ પ્રયાસ કર્યો પરંતુ મારું નસીબ ખરાબ હતું. સ્ત્રી સમસ્યા પણ હતી. મારો ત્રીજો દિવસ હતો. તેના કારણે પણ શરીર પર થોડો ફર્ક પડ્યો છે. મેડલ જીતવાનો મારો શ્રેષ્ઠ પ્રયાસ હતો. જીત અને હાર નસીબનો ભાગ છે. આગામી વખતે હું દેશ માટે મેડલ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. આ વખતે હું મેડલ ન આપી શકી તેથી હું માફી માંગુ છું. હું હજી વધુ પ્રયત્નો કરીશ અને આગામી તમામ સ્પર્ધાઓમાં મારું શ્રેષ્ઠ પ્રદર્શન આપીશ."

આ પણ વાંચો: પેરિસ ઓલિમ્પિકમાં ભારતને એક પછી એક બે ઝટકા, વિનેશ બાદ મીરાબાઈ ચાનુ 1 કિલો માટે રહી ગઈ


Google NewsGoogle News