ISPL 2024 : સચિન સહિત દિગ્ગજો પહેલી વખત આવી મેચ રમતા જોવા મળ્યા

ISPLમાં ભાગ લેનાર ટીમોની માલિકી હિન્દી, તમિલ અને તેલુગુ સિનેમાના સુપરસ્ટાર્સની છે

Updated: Mar 7th, 2024


Google NewsGoogle News
ISPL 2024 : સચિન સહિત દિગ્ગજો પહેલી વખત આવી મેચ રમતા જોવા મળ્યા 1 - image
Image:Screengrab

ISPL T10 : IPLની જેમ ભારતમાં વધુ એક ક્રિકેટ લીગ શરુ થઇ ચૂકી છે. આ ક્રિકેટ લીગનું નામ ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ છે. જેને ISPL T10 લીગ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક નવી ક્રિકેટ લીગ છે જે નવી પ્રતિભાઓને શોધવા અને સુધારવામાં મદદ કરે છે. તેનો ઉદ્દેશ્ય નવા ખેલાડીઓને શોધવા, તાલીમ આપવા અને પ્રોત્સાહન આપવાનો છે. ISPLમાં ભાગ લેનાર ટીમોની માલિકી હિન્દી, તમિલ અને તેલુગુ સિનેમાના સુપરસ્ટાર્સની છે. બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન માઝી મુંબઈ ટીમના માલિક છે, જ્યારે અક્ષય કુમાર વીર શ્રીનગર, હૃતિક રોશન બેંગલુરુ સ્ટ્રાઈકર્સ, તમિલ સ્ટાર સૂર્યા ચેન્નઈ સિંઘમના માલિક છે. તેલુગુ ફિલ્મ સ્ટાર રામ ચરણ ફાલ્કન રાઇઝર્સ હૈદરાબાદના માલિક છે. સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન મળીને ટાઈગર્સ ઓફ કોલકાતાના માલિક છે.

મુંબઈમાં થયું ઉદ્ઘાટન

આ લીગની ખાસ વાત એ છે કે લીગની મેચ લેધર બોલથી નહીં પરંતુ ટેનિસ બોલથી રમાશે. ગઈકાલે મુંબઈના થાણેમાં દાદોજી કોંડાદેવ સ્ટેડિયમમાં આ લીગનું ઉદ્ઘાટન થયું હતું. ક્રિકેટ ચાહકો હવે સ્ટેડિયમની અંદર બેસીને ટેનિસ બોલ ક્રિકેટની મજા માણી શકશે અને ટીવી પર તેના લાઇવ ટેલિકાસ્ટનો પણ આનંદ માણી શકશે.

ક્રિકેટ અને બોલિવૂડ જગતના સ્ટાર્સ આપી રહ્યા છે પ્રોત્સાહન

ભારતીય ક્રિકેટ ટીમના મહાન બેટર સચિન તેંડુલકર અને બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન પણ આ લીગને જોરશોરથી પ્રમોટ કરી રહ્યા છે. સચિન તેંડુલકર ઉપરાંત સુરેશ રૈના, ઈરફાન પઠાણ, અક્ષય કુમાર, સાઉથ સ્ટાર સૂર્યા જેવી હસ્તીઓ પણ આ ક્રિકેટ લીગને પ્રોત્સાહન આપી રહી છે. આ સિવાય સોશિયલ મીડિયા સેન્સેશન અને બિગ બોસ વિનર મુનાવર ફારૂકી, એલ્વિશ યાદવ પણ ગઈકાલે જોવા મળ્યા હતા.

સચિન તેંડુલકર અને અક્ષર કુમારની ટીમ વચ્ચે રમાઈ પ્રથમ મેચ

આ લીગની પ્રથમ મેચ સચિન તેંડુલકર અને અક્ષર કુમારની ટીમ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ટોસ અલગ અંદાજમાં થયો હતો, જેમાં અક્ષય કુમારે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે સચિન તેંડુલકરે એક જાહેરાત કરીને ચાહકોના દિલ જીતી લીધા હતા. તેંડુલકરે જમ્મુ અને કાશ્મીરના પેરા ક્રિકેટર આમિર હુસૈનની જર્સી પહેરી હતી અને તેની સાથે ઇનિંગ્સની શરૂઆત પણ કરી હતી. આમિરે તેંડુલકરની જર્સી પહેરીને મેચ રમી હતી.

આમિર ISPLનો પ્રથમ બોલ રમનાર ખેલાડી બન્યો

આમિરે ISPL લીગના પ્રથમ બોલનો સામનો કરીને ઈતિહાસ રચ્યો હતો. તે લીગનો પ્રથમ બોલ રમનાર ખેલાડી બન્યો હતો. આમિરે 5 બોલમાં 3 રન બનાવ્યા હતા અને રોબિન ઉથપ્પાના બોલ પર નમન ઓઝાના હાથે કેચ આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. જયારે સચિન 17 બોલમાં ત્રણ ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારીને મુનાવર ફારૂકીના બોલ પર કેચ આઉટ થયો હતો. જયારે રૈના 9 બોલમાં 7 રન બનાવીને રન આઉટ થયો હતો. 

અક્ષય કુમારે સૌથી વધુ વિકેટ લીધી

સચિન માસ્ટર્સ ઇલેવનએ 10 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 94 રન બનાવ્યા હતા. અક્ષય ખિલાડી ઈલેવન તરફથી અક્ષય કુમારે સૌથી વધુ બે વિકેટ લીધી હતી. પ્રતિક બબ્બર, મુનાવર ફારૂકી અને રોબિન ઉથપ્પાએ 1-1 વિકેટ લીધી હતી.

અક્ષય કુમાર રનઆઉટ થઈને પેવેલિયન પરત ફર્યો

સચિન માસ્ટર્સ ઇલેવન દ્વારા આપવામાં આવેલા 95 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી અક્ષય ખિલાડી ઈલેવનની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. નમન ઓઝા ઇનિંગ્સના પ્રથમ બોલ પર સુરેશ રૈનાના હાથે કેચ આઉટ થયા બાદ પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ મુનાફ પટેલે ગૌરવ તનેજા (1)ને બિન્નીના હાથે કેચ આઉટ કરાવ્યો અને પ્રથમ ઓવરમાં જ બે વિકેટ ઝડપી હતી. રોબિન ઉથપ્પા (2) મિડ ઓફ પર યુસુફ પઠાણના હાથે કેચ આઉટ થયો હતો. અહીંથી મુનાવર ફારૂકી (26)એ કેપ્ટન અક્ષય કુમાર (7) સાથે ઈનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ બંને વચ્ચે ગેરસમજ થઈ અને અક્ષય કુમાર રનઆઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો.

સચિન માસ્ટર્સ ઈલેવનનો 6 રને વિજય

મુનાવર ફારૂકીના આઉટ થયા બાદ ઈરફાન પઠાણ ક્રિઝ પર આવ્યો. એકતરફી હારી રહેલી અક્ષયની ટીમને ઈરફાને મેચમાં વાપસી કરાવી અને મેચને ખૂબ જ રોમાંચક બનાવી દીધી. ઈરફાન પઠાણે માત્ર 8 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 32 રન બનાવ્યા હતા. દરમિયાન સૂર્યા 8 રન બનાવીને મુનાફ પટેલના હાથે બોલ્ડ થયો હતો. અક્ષય ખિલાડી ઈલેવનની ટીમ 10 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 89 રન જ બનાવી શકી હતી. સચિન માસ્ટર્સ ઈલેવને આ મેચ 6 રને જીતી લીધી હતી. માસ્ટર્સ ઈલેવન તરફથી સૌથી વધુ ત્રણ વિકેટ મુનાફ પટેલે લીધી હતી. સંકેત અને એલ્વિસને 1-1 વિકેટ મળી હતી.

ISPL 2024 : સચિન સહિત દિગ્ગજો પહેલી વખત આવી મેચ રમતા જોવા મળ્યા 2 - image


Google NewsGoogle News