ગાયબ થઈ ગયેલો ઈશાન કિશન આખરે મળ્યો, નારાજ BCCI મોટી કાર્યવાહી કરવાના મૂડમાં
ઇશાન કિશને ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી T20I સીરિઝ બાદ ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો
Image:Social Media |
Ishan Kishan Training With Pandya Brothers : ઇશાન કિશન હાલ ભારતીય ટીમમાંથી બહાર છે. તેણે નવેમ્બર 2023માં ઓસ્ટ્રેલિયા સામે T20I સીરિઝ રમી હતી. આ પછી BCCI સહિત ટીમ મેનેજમેન્ટને ઈશાન અને તેની આગામી યોજનાઓ વિશે કંઈ જ ખબર ન હતી. પરંતુ હવે ઈશાન મળી ગયો છે. મળેલા અહેવાલો મુજબ ઈશાન હાલમાં બરોડાની કિરણ મોરે એકેડમીમાં હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા સાથે પ્રેક્ટિસ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં માનવામાં આવી રહ્યું છે કે ઈશાન હવે સીધો IPLમાં રમતા જોવા મળશે. જો કે તેણે આ અંગે કોઈને કોઈ માહિતી આપી નથી. ભારતીય ટીમ મેનેજમેન્ટ અને કોચ રાહુલ દ્રવિડ બંને ઈશાન વિશે કંઈ જાણતા નથી.
“ઈશાને પોતે ક્રિકેટમાંથી બ્રેક લીધો છે”
હાલમાં એક પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ દ્રવિડને ઇશાન કિશન વિશે પૂછવામાં આવ્યું હતું. જેના જવાબમાં દ્રવિડે કહ્યું, “ઈશાને પોતે ક્રિકેટમાંથી બ્રેક લીધો છે. વાપસીને લઈને પણ બધું ઇશાન પર જ નિર્ભર કરે છે. ટીમમાં વાપસી કરવા માટે ઇશાન કિશનને ડોમેસ્ટિક ક્રિકેટ રમવી પડશે.
BCCI અને JCAને ઇશાનની આગામી યોજના વિશે કંઈ ખબર નથી
બીજી તરફ હાલ ભારતમાં રણજી ટ્રોફીની ટુર્નામેન્ટ રમાઈ રહી છે, જેમાં ઝારખંડ તરફથી રમનાર ઇશાન કિશન ટીમમાં દેખાઈ રહ્યો નથી. આવી સ્થિતિમાં BCCI અને JCAને પણ ઇશાનની આગામી યોજના વિશે કંઈ ખબર નથી. ઇશાન ડોમેસ્ટિક ક્રિકેટ રમશે કે નહીં આ અંગે તેણે JCAને પણ કોઈ સુચના આપી નથી. પરંતુ આ દરમિયાન તે હવે બરોડામાં દેખાયો હતો. તે સતત ઝારખંડ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમવાથી પણ ઇનકાર કરી રહ્યો છે. ઉપરાંત તે ભારતીય ટીમ મેનેજમેન્ટના સંપર્કમાં નથી.
ઈશાનના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પર પડી શકે છે અસર
આવી સ્થિતિમાં જો અહેવાલોનું માનીએ તો BCCIને ઈશાનનું આ વલણ પસંદ નથી આવી રહ્યું. આવી સ્થિતિમાં ઈશાન કિશનના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પર પણ અસર પડી શકે છે. BCCI તેને તેના કોન્ટ્રાક્ટમાંથી મુક્ત કરવા પર પણ વિચાર કરી શકે છે, કારણ કે તે લાંબા સમયથી ભારતીય ટીમથી દૂર છે. આ ઉપરાંત ડોમેસ્ટિક ક્રિકેટને પણ મહત્વ આપવામાં આવી રહ્યું નથી. જણાવી દઈએ કે હાલમાં ઈશાન સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની C-કેટેગરીમાં છે. તેના બદલામાં તેને વાર્ષિક 1 કરોડ રૂપિયા મળે છે.