ISHAN KISHAN: ભારતીય ટીમમાં વાપસી કરવાનો રસ્તો ખૂલ્યો, ઇશાન કિશને BCCI પસંદગીકારોની શરત માની લીધી
ડાબોડી વિકેટકીપર બેટર ઇશાન કિશન ફરીથી ભારતીય ક્રિકેટ ટીમ માટે રમતો દેખાય તો નવાઈ નહીં કારણ કે છેલ્લા ઘણા સમયથી ટીમમાંથી બહાર રહ્યા બાદ હવે તે ઘરેલુ ક્રિકેટમાં રમવા તૈયાર થયો છે. BCCI સિલેક્ટર્સે સમજાવ્યા બાદ તે ઝારખંડની ટીમમાંથી રમવા તૈયાર થયો છે. એટલું જ નહીં તેને આ ટીમની કેપ્ટન્સી પણ સોંપવામાં આવે તેવી શક્યતા છે. કિશન છેલ્લે 2023 ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતીય ટીમનો સભ્ય રહ્યો હતો. જો કે આ મોટી ટુર્નામેન્ટમાં પાર્ટ ટાઈમ વિકેટકીપર લોકેશ રાહુલ સામે તેની અવગણના થતી હોય તેવું લાગી રહ્યું હતું.
ત્યાર પછી ભારતની દક્ષિણ આફ્રિકા ટુર વખતે ઇશાન કિશન ટીમ ઈન્ડિયાની સાથે હતો. આ એ સમયગાળો હતો જ્યારે ટીમમાં હોવા છતા સતત કેટલીક ટુર્નામેન્ટમાં તેને બેન્ચ કરવામાં આવી રહ્યો હતો. ટીમમાં તેની જગ્યા બની નહોતી રહી કે પછી કેપ્ટન રોહિત અને કોચ દ્રવિડને તેનું મહત્વ લાગતું નહોતું એ તો તેઓ જ જાણે છે પણ ઇશાન કિશનને સ્કવોડમાં હોવા છતાં ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન નહોતું મળી રહ્યું. ત્યારે માનસિક થાકનું કારણ આપીને કિશન ભારત પરત આવી ગયો હતો. પણ ત્યાર પછી શિસ્તનું કારણ આપીને તેને અને શ્રેયસ ઐય્યરને BCCI દ્વારા સાઈડલાઇન કરવામાં આવ્યા હતા.
IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતા આ ક્રિકેટરને ગયા વર્ષે BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બાદ કરવામાં આવ્યો હતો. તેણે માનસિક થાકનું કારણ આપીને ભારતની ટુર અધવચ્ચેથી છોડી દીધી હતી અને ત્યાર પછી ટીમ મેનેજમેન્ટ દ્વારા તેને ઘરેલુ ક્રિકેટમાં રમવા માટે કહેવામાં આવ્યું હતું. આ સલાહની અવગણના કરી તેણે માત્ર IPLમાં રમવાનું પસંદ કર્યું હતું જેના કારણે BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી તેની બાદબાકી થઈ હતી. હવે ફરીથી ઇશાન દુલિપ ટ્રોફી અને રણજી ટ્રોફીમાં રમતો અને ટીમની આગેવાની કરતો જોવા મળી શકે છે.