ઈશાન કિશનને મળ્યો ગોલ્ડન ચાન્સ, અચાનક મળી કૅપ્ટનશીપની જવાબદારી
Image Source: Twitter
Ishan Kishan Captain: ઈશાન કિશન લાંબા સમયથી ટીમ ઇન્ડિયામાંથી બહાર છે. તેને ઘણી વખત ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ તે માત્ર IPLમાં જ રમ્યો છે. જો કે હવે કદાચ ઈશાન પોતાનો મૂડ બદલી રહ્યો છે અને તેણે ઝારખંડ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું નક્કી કર્યું છે. ઈશાન કિશનને ગોલ્ડન ચાન્સ મળ્યો છે. તે બુચી બાબુ ટ્રોફીમાં ઝારખંડની ટીમની કૅપ્ટનશીપ કરશે. બુચી બાબુ ટ્રોફી 15 ઑગસ્ટથી શરુ થઈ રહી છે. ઈશાન પાસે કૅપ્ટનશિપનો અનુભવ છે. તે અગાઉ અંડર-19માં ભારતીય ટીમની કૅપ્ટનશીપ કરી ચૂક્યો છે. તે ચેન્નાઈમાં ઝારખંડની ટીમ સાથે જોડાશે.
ડોમેસ્ટિક ક્રિકેટમાં થશે ઈશાનની વાપસી
એક અહેવાલ પ્રમાણે ઈશાન કિશને પોતાની ડોમેસ્ટિક ક્રિકેટમાં વાપસી કરવાના ઇરાદા અંગે ઝારખંડ સ્ટેટ ક્રિકેટ ઍસોસિએશનને પહેલાથી જ જાણ કરી દીધી હતી. હવે તેની રણજી ટ્રોફી 2024-25 સિઝનમાં રમવાની તકો પણ વધી ગઈ છે. તેણે તેની છેલ્લી ફર્સ્ટ ક્લાસ મેચ ડિસેમ્બર 2022માં રમી હતી. ત્યારબાદ તે ડોમેસ્ટિક સિઝનથી દૂર રહ્યો છે.
સારું પ્રદર્શન કરીને ટીમ ઇન્ડિયામાં મળી શકે છે એન્ટ્રી
રેડ બોલ ક્રિકેટમાં ઈશાન કિશનની વાપસી એવા સમયે થઈ છે જ્યારે આગામી મહિનામાં ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ત્રણ ટીમો સામે કુલ 10 ટેસ્ટ મેચ રમવાની છે. જો તે આગામી ડોમેસ્ટિક સિઝનમાં સારું પ્રદર્શન કરશે તો તેની ટીમ ઇન્ડિયામાં વાપસી થઈ શકે છે. તેણે ગત વર્ષે વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ દરમિયાન ટીમ ઇન્ડિયા માટે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. પરંતુ અત્યાર સુધી તે ટીમ ઇન્ડિયા માટે માત્ર બે જ ટેસ્ટ મેચ રમી શક્યો છે.
પરંતુ ઈશાન માટે ટીમ ઇન્ડિયા અને પછી પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવવી મુશ્કેલ લાગી રહી છે. કારણ કે ટેસ્ટમાં ઋષભ પંતની વાપસી લગભગ નિશ્ચિત છે. બીજી તરફ ધ્રુવ જુરેલે રાંચી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે પોતાની રમતથી બધાને પ્રભાવિત કરવામાં સફળ રહ્યો છે.
BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટથી બહાર થયો હતો ઈશાન
ઈશાન કિશને દક્ષિણ આફ્રિકા પ્રવાસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. ત્યારબાદ તેણે BCCI પાસેથી બ્રેક માંગ્યો હતો. ત્યારબાદ કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે, તેણે વાપસી માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમવી પડશે. ત્યારે તેણે ઘરેલુ ક્રિકેટમાં ભાગ નહોતો લીધો. જ્યારે તે વડોદરામાં હાર્દિક પંડ્યા સાથે ક્રિકેટ એકેડમીમાં ટ્રેનિંગ કરતો જોવા મળ્યો હતો. ત્યારબાદ BCCIએ મોટો નિર્ણય લેતાં તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી હટાવી દીધો હતો.