BCCIની ઈશાન કિશનને ચેતવણી! ખેલાડીઓના રણજી ટ્રોફી ન રમવા પર બોર્ડ લઇ શકે એક્શન
ઇશાન કિશને હાર્દિક પંડ્યા સાથે IPL માટે પ્રેક્ટિસ શરુ કરી હતી
Image:File Photo |
Ishan Kishan : BCCI એવા ક્રિકેટરોને એક મજબૂત સંદેશ મોકલવાની તૈયારી કરી રહ્યું છે જેઓ ન તો ભારતીય ટીમનો ભાગ છે અને ન તો રણજી ટ્રોફી જેવી મહત્વપૂર્ણ ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. BCCI આવા ખેલાડીઓથી નારાજ છે અને ટૂંક સમયમાં તેમની સામે આદેશ જારી કરી શકે છે. આ યાદીમાં વિકેટકીપર બેટર ઈશાન કિશનનું નામ સૌથી આગળ છે. સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ઈશાને અચાનક ટીમ મેનેજમેન્ટ પાસેથી બ્રેકની માંગ કરી હતી, ત્યારબાદ તે સતત ક્રિકેટથી દૂર છે. ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે, “જો ઇશાન કિશન ટીમમાં વાપસી કરવા ઈચ્છે છે તો તેણે થોડું ક્રિકેટ રમવું પડશે.” જો કે ઈશાને અત્યાર સુધી રણજી ટ્રોફીની એકપણ મેચ રમી નથી.
ઈશાને પંડ્યા બ્રધર્સ સાથે શરુ કરી પ્રેક્ટિસ
થોડા દિવસો પહેલા સમાચાર મળ્યા હતા કે ઇશાન કિશન પંડ્યા બ્રધર્સ સાથે પ્રેક્ટિસ શરુ કરી દીધી છે. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે ઈશાન કિશન રણજી ટ્રોફી માટે નહીં પરંતુ IPLની તૈયારી કરી રહ્યો છે. આવી સ્થિતિમાં રણજી ટ્રોફી દરમિયાન IPL મોડમાં આવતા ખેલાડીઓથી BCCI ખૂબ નારાજ છે.
BCCIની ઇશાન કિશનને ચેતવણી
BCCIના સુત્રે જણાવ્યું, “આગામી થોડા દિવસોમાં તમામ ખેલાડીઓને BCCI દ્વારા રણજી ટ્રોફીમાં તેમના રાજ્યની ટીમ માટે રમવાની જાણ કરવામાં આવશે. જે ખેલાડીઓ રાષ્ટ્રીય ફરજ પર હોય અથવા અનફિટ છે અને NCAમાં રિહેબમાંથી પસાર થઈ રહ્યા છે તેમને જ છૂટ આપવામાં આવશે. બોર્ડ એવા કેટલાક ખેલાડીઓથી ખુશ નથી જેઓ જાન્યુઆરીથી IPL મોડમાં આવી ગયા છે.” જો કે સુત્રે ખુલ્લેઆમ અહીં કોઈ ખેલાડીનું નામ લીધું નથી, પરંતુ સમજી શકાય છે કે આ ચેતવણી માત્ર ઈશાન કિશન માટે છે.