Get The App

ક્યાં સુધી નહીં રમાડો! ટીમ ઈન્ડિયાની બહાર રહેલા બેટરે ઘરેલુ ક્રિકેટમાં કરી ધોલાઈ, 9 છગ્ગા સાથે ફટકારી સદી

Updated: Aug 16th, 2024


Google NewsGoogle News
ishan kishan


Ishan Kishan Babu Buchi Tournament: છેલ્લા ઘણા વખતથી ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર રહેલા અને IPLમાં સારો દેખાવ કરનાર ક્રિકેટર ઇશાન કિશને ફરીથી પોતાની પ્રતિભાનો પરિચય આપી દીધો છે. ઇશાન કિશનને બોર્ડ દ્વારા ઘરેલુ ક્રિકેટમાં રમવા માટેની સલાહ આપવામાં આવી હતી. જે તેણે સ્વીકારી લીધી હતી અને બૂચી બાબુ ટુર્નામેન્ટમાં ઝારખંડ માટે રમવાનું શરૂ કર્યું હતું. 

બૂચી બાબુ ટુર્નામેન્ટમાં વિકેટ કીપર બેટર ઇશાન કિશને 9 છગ્ગા સાથે માત્ર 86 બોલમાં સદી ફટકારી દીધી હતી. મધ્ય પ્રદેશ સામેની મેચમાં ડાબોડી બેટર ઇશાન કિશને ફરી એકવખત પોતાની પ્રતિભાનો પરચો બતાવતા છઠ્ઠા ક્રમે બેટિંગમાં આવીને રમતના બીજા દિવસે સદી ફટકારી દીધી હતી. મધ્ય પ્રદેશ 225માં ઓલ આઉટ થઈ ગયું હતું. 

ઇશાન કિશને પોતાની પ્રથમ અર્ધી સદી 61 બોલમાં ફટકારી હતી. તેણે 39 બોલના ગાળામાં 9 છગ્ગા ફટકાર્યા હતા. આખરે તેણે 10 છગ્ગા અને 5 ચોગ્ગા સાથે 107 બોલમાં 114 રન ફટકારીને મેદાન છોડ્યું હતું. 

કિશને 2023માં પ્રવાસના થાકનું કારણ આપીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોરમેટમાં બ્રેક લેવાનો નિર્ણય લીધો હતો. બાદમાં ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા તેને અને શ્રેયસ ઐય્યરને ઘરેલુ ક્રિકેટમાં રમવા માટે કહેવામાં આવ્યું હતું. બાદમાં શ્રેયસ ઐયર મુંબઈ માટે રણજીમાં રમ્યો હતો પરંતુ કિશન સીધો મુંબઈ ઈન્ડિયન્સ માટે IPLમાં રમતો દેખાયો હતો. જેમાં તેણે 14 મેચમાં 320 રન બનાવ્યા હતા. શ્રેયસ અને ઇશાન કિશન બંનેનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પણ રદ થયો હતો.

હવે ફરીથી ઇશાન કિશને ઘરેલુ ટુર્નામેન્ટમાં રમવાનું શરૂ કરતાં નજીકના સમયમાં ભારતીય ક્રિકેટ ટીમના દરવાજા ફરીથી તેના માટે ખૂલી જાય તો નવાઈ નહીં!


Google NewsGoogle News