Get The App

કેપ્ટન ઇશાન કિશનની ઘરેલુ ક્રિકેટમાં વધુ એક સદી! ચેમ્પિયન્સ ટ્રોફી માટે નોંધાવી દાવેદારી

Updated: Dec 23rd, 2024


Google NewsGoogle News
કેપ્ટન ઇશાન કિશનની ઘરેલુ ક્રિકેટમાં વધુ એક સદી! ચેમ્પિયન્સ ટ્રોફી માટે નોંધાવી દાવેદારી 1 - image


Ishan Kishan Century:  ઇશાન કિશને વિજય હજારે ટ્રોફી 2024ની એક મેચમાં કમાલ કરી દીધો છે. તેણે શાનદાર પ્રદર્શન કરીને સદી ફટકારી છે. ઇશાનની સદીના દમ પર ઝારખંડે મણિપુરને 8 વિકેટે હરાવી દીધું છે. ઇશાને સદીની સાથે જ ટીમ ઇન્ડિયા માટે પણ દાવો ઠોકી દીધો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ઇશાન પર એક નજર કરી શકે છે.

મણિપુરે પ્રથમ બેટિંગ કરતા 253 રન બનાવ્યા હતા. આ દરમિયાન જોન્સને 82 બોલનો સામનો કરીને 69 રન બનાવ્યા હતા. બીજી તરફ પ્રિયોજીતે 49 બોલનો સામનો કરીને 43 રન બનાવ્યા હતા. જવાબમાં ઝારખંડની ટીમે 2 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ઝારખંડ માટે ઇશાને સદી ફટકારી હતી. તેણે 78 બોલમાં 134 રન ફટકાર્યા હતા. ઇશાનની આ ઇનિંગમાં 16 ચોગ્ગા અને 6 છગ્ગા સામેલ છે.

ઇશાન કિશને ચેમ્પિયન્સ ટ્રોફી માટે દાવો ઠોક્યો

ઇશાન લાંબા સમયથી ટીમ ઇન્ડિયાની બહાર છે. તે તેની છેલ્લી ODI મેચ ઓક્ટોબર 2023માં અફઘાનિસ્તાન સામે રમ્યો હતો. ત્યારબાદથી ઇશાનન ટીમ ઇન્ડિયામાં વાપસી નથી થઈ શકી. પરંતુ હવે તેને તક આપવામાં આવી શકે છે. ઇશાને અરુણાચલ પ્રદેશ સામે પણ અડધી સદી ફટકારી હતી. તેણે 77 અણનમ રન બનાવ્યા હતા.

ઇશાન ભારત માટે અત્યાર સુધીમાં 27 ODI મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 933 રન બનાવ્યા છે. ઇશાને બેવડી સદી પણ ફટકારી છે. તેનો શ્રેષ્ઠ ODI સ્કોર 210 રન છે. ઇશાને ટીમ ઇન્ડિયા માટે 32 ટી20 મેચ રમી છે. તેણે આ ફોર્મેટમાં 796 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 6 અડધી સદી ફટકારી છે.

ઇશાન કિશને છેલ્લી અનેક ઈનિંગ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે રેલવે સામેની ફર્સ્ટ ક્લાસ મેચમાં સદી ફટકારી હતી. ઇશાને ઝારખંડ તરફથી રમતા 101 રન બનાવ્યા હતા.

એક પછી એક ટુર્નામેન્ટ્સમાં જબરદસ્ત ફોર્મ દર્શાવ્યું

ઇશાન કિશને ઘરઆંગણે એક પછી એક ટુર્નામેન્ટ્સમાં જબરદસ્ત ફોર્મ દર્શાવીને ફરીથી ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવા માટે દાવેદારી નોંધાવી દીધી છે. વિજય હજારે ટ્રોફીમાં ઝારખંડની ટીમના કેપ્ટન ઇશાન કિશને 64 બોલમાં સદી ફટકારી હતી. તેણે મણિપુર સામેની આ મેચમાં 16 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે કુલ 78 બોલમાં 134 રન બનાવ્યા હતા. વિજય હજારે ટ્રોફી વન-ડે ફોરમેટમાં રમાય છે. આગામી સમયમાં આ જ ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચેમ્પિયન્સ ટ્રોફી પણ રમાશે. છેલ્લા કેટલાક સમયથી ઇશાન કિશને જે રીતે ફોર્મ દર્શાવ્યું છે એ જોતાં હવે તેને ફરીથી ટીમમાં સ્થાન મળે એવી શક્યતા છે. કિશને બૂચી બાબુ, દુલિપ ટ્રોફી, રણજી અને હવે વિજય હજારે ટ્રોફીમાં સદી ફટકારી છે. ડાબોડી ઓપનર તરીકે જયસ્વાલ બાદ તે ટીમ માટે સારો વિકલ્પ બની શકે એમ છે.


Google NewsGoogle News