Get The App

ચિત્તાની જેમ છલાંગ લગાવીને પકડ્યો કેચ, પંતને ટક્કર આપવા તૈયાર થઈ ગયો જૂનો હરીફ ક્રિકેટર

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
ishan kishan


Ishan Kishan: ભારતનો ડાબોડી બેટર ઈશાન કિશન ફરી એકવાર સમાચારોમાં છે. તેણે બુચી બાબુ ઇન્વિટેશન ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને ફરી એકવાર પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું છે. છેલ્લા ઘણા સમયથી તે ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી. ત્યારે હવે ઘરેલુ ક્રિકેટમાં રમીને તે ફરીથી ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી મેળવવા પ્રયાસ કરી રહ્યો છે. 

હાલ ઇશાન બૂચી બાબુ ટુર્નામેન્ટમાં રમી રહ્યો છે. જેમાં તેણે માત્ર 86 બોલમાં સદી ફટકારી હતી. સાથે વિકેટની પાછળ પણ તેણે પોતાની ટેલેન્ટ બતાવી દીધી હતી. મધ્યપ્રદેશ અને ઝારખંડની મેચમાં ઈશાને પહેલા કીપિંગ અને પછી બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. રસપ્રદ વાત એ છે કે આ પ્રદર્શન BCCIના નિવેદન બાદ સામે આવ્યું છે.

બુચી બાબુ ટુર્નામેન્ટમાં મધ્ય પ્રદેશે પ્રથમ બેટિંગ કરી હતી. ઈનિંગની લગભગ 84મી ઓવર ચાલતી હતી ત્યારે મધ્યપ્રદેશે આઠ વિકેટ ગુમાવીને 208 રન બનાવી લીધા હતા. વિવેકાનંદ તિવારીએ રામવીર ગુર્જરને બોલ ફેંક્યો હતો. રામવીર 31 બોલમાં છ રન બનાવીને રમી રહ્યો હતો. તેણે આ બોલને ફાઈન લેગ તરફ ફ્લિક કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ વિકેટકીપર ઈશાન કિશન વિકેટની પાછળ તૈયાર જ ઊભો હતો. તેણે આ શોટને જબરદસ્ત રીતે જજ કર્યો હતો અને અદ્ભુત જમ્પ સાથે કેચ પણ લીધો હતો. ઈશાન કેચ પકડવા માટે પહેલા પોઝીશનમાં આવ્યો હતો અને પછી અદ્ભુત ટાઈમિંગ સાથે છલાંગ લગાવી હતી. આ કેચનો વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 

ઝારખંડના બેટર્સ બેટિંગ કરવા આવ્યા ત્યારે તેની પ્રથમ વિકેટ ઝીરો પર પડી ગઈ હતી. પરંતુ ત્યાર પછીના બેટ્સમેનોએ નાના યોગદાન આપીને સ્કોરબોર્ડને આગળ ધપાવ્યું હતું. કેપ્ટન ઈશાન કિશન છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. અને તેણે મધ્યપ્રદેશના બોલરોની ખૂબ ધોલાઈ કરી હતી અને 86 બોલમાં પોતાની સદી પૂરી કરી.

ઈશાને 107 બોલમાં 114 રનની ઈનિંગ રમી હતી. આ ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને દસ છગ્ગાનો સમાવેશ થાય છે. દિવસની રમતના અંત સુધીમાં ઝારખંડે સાત વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા હતા. 

ઈશાન બુચી બાબુ ટુર્નામેન્ટ માટે ઝારખંડની પ્રારંભિક ટીમનો ભાગ નહોતો. પરંતુ બાદમાં તેણે તેમાં રમવાની વાત કરી હતી. જે બાદ તેને ટીમમાં લેવામાં આવ્યો અને તેને કેપ્ટનશિપ પણ આપવામાં આવી હતી.

ઈશાન લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. ઇશાન માનસિક થાકને કારણે દક્ષિણ આફ્રિકા પ્રવાસથી પરત ફર્યો હતો. આ પછી તે રણજી ટ્રોફીમાં પણ રમ્યો નહોતો. અને આ કારણે તેનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પણ રદ કરી દેવામાં આવ્યો હતો.

ભારત માટે બે ટેસ્ટ, 17 ODI અને 11 T20I ઈન્ટરનેશનલ રમનાર ઈશાન 2023 ODI વર્લ્ડ કપ દરમિયાન પણ ટીમ ઈન્ડિયા સાથે હતો. ઓપનર શુભમન ગિલની બીમારી દરમિયાન તેણે બે મેચ પણ રમી હતી. 


Google NewsGoogle News