ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ટીમ ઈન્ડિયા માટે ટેન્શન! મોહમ્મદ શમી હજુ ઈજાથી સાજો થયો નથી?
Mohammed Shami: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 22 જાન્યુઆરીથી 5 મેચની T20 સીરિઝ શરૂ થવા જઈ રહી છે. સીરિઝની પ્રથમ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. મેચ પહેલા ભારતીય ખેલાડીઓ પ્રેક્ટિસ માટે ભેગા થયા છે. આ સમય દરમિયાન તમામની નજર મોહમ્મદ શમી પર હતી જે 14 મહિના પછી ટીમમાં વાપસી કરી રહ્યો છે. શમીએ ભારત માટે પોતાની છેલ્લી મેચ 2023ના વર્લ્ડ કપ ફાઈનલમાં રમી હતી. ટીમમાં વાપસી કરતા શમીએ એક કલાકથી વધુ સમય સુધી સંપૂર્ણ લયમાં બોલિંગ કરી.
ફિલ્ડિંગ પ્રેક્ટિસમાં ભાગ લીધો
જો કો, પોતાના ડાબા ઘૂંટણ પર ભારે પટ્ટો બાંધીને શમીએ બોલિંગ કોચ મોર્ને મોર્કલની દેખરેખ હેઠળ શરૂઆતમાં ટૂંકા રન-અપ સાથે ધીમી બોલિંગ કરી અને પછી ફુલ રન-અપ સાથે પોતાની ગતિ વધારી. લગભગ એક કલાક બોલિંગ કર્યા પછી તેણે ફિલ્ડિંગ પ્રેક્ટિસમાં પણ ભાગ લીધો હતો.
આ પણ વાંચો: સુરતના રત્નકલાકારોની અદ્ભૂત કારીગરી: ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિવાળો ડાયમંડ બનાવ્યો
શમીની ફિટનેસ અંગે શંકાઓ હતી. તેણે પોતાની ગતિ અને સચોટ લાઈન લેન્થથી અભિષેક શર્મા અને તિલક વર્મા જેવા યુવા બેટ્સમેનોને પરેશાન કરીને બધી ચિંતાઓ દૂર કરી દીધી છે. આ દરમિયાન વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ તેની સામે કેટલાક આક્રમક શોટ રમ્યો હતો. બોલિંગ પ્રેક્ટિસ પૂરી કર્યા બાદ શમીએ બોલિંગ કોચ મોર્ને મોર્કલ સાથે વાતચીત કરી હતી. જ્યારે શમી ચેન્જિંગ રૂમમાં લંગડાતો લંગડાતો ગયો તે એક માત્ર એવી ક્ષણ હતી જ્યારે તે થોડો અસ્વસ્થ લાગ્યો, પરંતુ તરત જ તે મેદાનમાં પાછો ફર્યો.
ભારતની યોજનાઓ માટે શમીની ફિટનેસ મહત્વપૂર્ણ
19 ફેબ્રુઆરીથી દુબઈ અને પાકિસ્તાનમાં શરૂ થનારી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ પોતાના તેજ આક્રમણને મજબૂત બનાવવા માગે છે, તેથી ટી20 ટીમમાં શમીનો સમાવેશ એક મહત્વપૂર્ણ પગલું છે. જસપ્રીત બુમરાહની ઈજા અંગેની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી, આવી સ્થિતિમાં ભારતની યોજનાઓ માટે શમીની ફિટનેસ મહત્વપૂર્ણ છે.
ઘરેલુ ક્રિકેટમાંથી વાપસી કર્યા બાદ શમીએ રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવ્યું છે. તેમણે રણજી ટ્રોફી, સૈયદ મુશ્તાક અલી ટી20 ટ્રોફી અને ત્યારબાદ વિજય હજારે વનડે ટ્રોફીમાં પણ ભાગ લીધો હતો.