ગુજરાતી ક્રિકેટરનું ઇશાન-શ્રેયસને સમર્થન, પંડ્યાને લઈને બેવડું વલણ ધરાવવા બદલ BCCI પર ભડક્યો
શ્રેયસ અય્યર અને ઈશાન કિશનને BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવ્યા નથી
Image:File Photo |
Irfan Pathan : પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ 2023-24 પર સવાલ ઉઠાવ્યા છે. શ્રેયસ અય્યર અને ઈશાન કિશનને આમાં સામેલ કરવામાં આવ્યા નથી, જો કે બંને તેના લાયક હતા. પઠાણે શ્રેયસ અને ઈશાનનું સમર્થન કર્યું છે અને BCCI પર સવાલ ઉઠાવ્યા છે કારણ કે તેઓએ હાર્દિક પંડ્યા જેવા ખેલાડીને ગ્રેડ-Aમાં સામેલ કર્યો છે. જ્યારે અય્યર અને ઈશાન કોઈપણ ગ્રેડમાં સામેલ નથી.
BCCI પર ભડક્યો પઠાણ
ઈરફાને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું, “શ્રેયસ અને ઇશાન બંને પ્રતિભાશાળી ક્રિકેટર છે. તેઓ વાપસી કરશે તેવી આશા છે. જો હાર્દિક જેવા ખેલાડી રેડ બોલ ક્રિકેટ રમવા માંગતા ન હોય, તો શું તેણે અને તેના જેવા અન્ય લોકોએ રાષ્ટ્રીય ફરજ પર ન હોય ત્યારે વ્હાઈટ બોલની ડોમેસ્ટિક ક્રિકેટમાં ભાગ લેવો જોઈએ? જો આ બધા પર લાગુ નહીં થાય, તો ભારતીય ક્રિકેટ ઇચ્છિત પરિણામો પ્રાપ્ત કરી શકશે નહીં!”
ઇશાન અને અય્યર BCCIના માપદંડમાં ફિટ
BCCIના માપદંડ મુજબ જો કોઈ ખેલાડીએ 1 ઓક્ટોબરથી લઈને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર થાય ત્યાં સુધી 3 ટેસ્ટ, 8 ODI અથવા 10 T20I મેચ રમી હોય તો તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવે છે. ઇશાન કિશન અને શ્રેયસ અય્યર બંને આમાં ફિટ થાય છે. પાંચ મેચ બાદ પણ તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સ્થાન મળ્યું નથી.
ઇશાન અને અય્યરને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ન મળ્યું સ્થાન
ચોંકાવનારી વાત એ છે કે ઇશાન કિશન અને શ્રેયસ અય્યરને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સ્થાન એટલે ન મળ્યું કારણ કે તેઓએ રણજી ટ્રોફીને મહત્વ આપ્યું ન હતું. શ્રેયસ અય્યર સાથે ઘણો અન્યાય થયો છે, કારણ કે તે સાઉથ આફ્રિકાના પ્રવાસ પછી રણજી ટ્રોફી રમ્યો હતો અને તે પછી તે ટેસ્ટ ટીમનો પણ ભાગ હતો. આટલું જ નહીં, તે સેમિફાઈનલ રમવા જઈ રહ્યો છે, પરંતુ પસંદગીકારોએ ઈશાન સાથે જેવો વ્યવહાર કર્યો હતો તેવો જ વ્યવહાર તેની સાથે પણ કર્યો હતો.
પસંદગીકારોનું બેવડું વલણ
ઇરફાન પઠાણે આ જ કારણે પસંદગીકારો પર નિશાન સાધ્યો અને કહ્યું હાર્દિક પંડ્યા જેવા ખેલાડી જે ટેસ્ટ ક્રિકેટ પણ નથી રમતા તેમને તમે ગ્રેડ 1માં રાખો છો તો પછી ઇશાન કિશન અને શ્રેયસ અય્યર સાથે આવું કેમ કરી રહ્યા છો. જેવી રીતે હાર્દિક ટેસ્ટ નથી રમતો તેવી જ રીતે ઇશાન પણ ટેસ્ટ નથી રમવા ઈચ્છતો તો પછી તેની સાથે આવો વ્યવહાર કેમ થઇ રહ્યો છે. જયારે કુલદીપ યાદવના ત્રણેય ફોર્મેટ રમવા છતાં તેને ગ્રેડ-Bમાં સ્થાન મળ્યું.