રાયડુ બાદ વધુ એક દિગ્ગજ ક્રિકેટરે RCBનો ઉધડો લીધો, પૂછ્યું - લોકલ ખેલાડીને કેમ ના રમાડ્યો?
Image:IANS |
Irfan Pathan On RCB : IPL 2024ની 19મી મેચ ગઈકાલે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં રાજસ્થાન ટીમના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. RCB માટે વિરાટ કોહલીએ સદી ફટકારી અને ટીમે 183 રન બનાવ્યા, પરંતુ તેમ છતાં RCB હારી ગઈ હતી. RCBની હાર બાદ પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીકા કરી છે. આ પહેલા RCBના પ્રદર્શનના કારણે અંબાતી રાયડુએ પણ RCB પર ટીકા કરી હતી.
પઠાણ RCB મેનેજમેન્ટથી નાખુશ
ઈરફાન પઠાણ RCB મેનેજમેન્ટથી નાખુશ છે કારણ કે તેઓએ પ્લેઈંગ-11માં લોકલ ક્રિકેટર મહિપાલ લોમરને સામેલ કર્યો ન હતો. તે રાજસ્થાન માટે પણ રમે છે અને રાજસ્થાન રોયલ્સ માટે પણ રમી ચૂક્યો છે. તે પિચ અને ગ્રાઉન્ડ વિશે જાણતો હતો અને ફોર્મમાં પણ હતો, પરંતુ RCB મેનેજમેન્ટે સૌરવ ચૌહાણ જેવા નવા ખેલાડીને પ્લેઈંગ-11માં સામલે કર્યો હતો.
ઈરફાને ઉઠાવ્યા મેનેજમેન્ટ પર સવાલો
ઈરફાને કહ્યું, "મહિપાલ લોમરોર ડોમેસ્ટિક ક્રિકેટમાં આ પિચ પર રમે છે અને તે પ્લેઈંગ-11નો ભાગ ન હતો. તે ફોર્મમાં પણ છે. ભારતીય કોચને IPLમાં સામેલ કરવાની જરૂર છે જેથી આવી ભૂલો ન થાય. આ તો માત્ર એક ઉદાહરણ છે." લોમરોરે આ સિઝનમાં RCB માટે બે મેચ રમી હતી અને બંને બેંગલુરુમાં રમાઈ હતી. તે એક મેચમાં 17 રન અને બીજી મેચમાં 33 રન બનાવવામાં સફળ રહ્યો હતો.
મિડલ ઓર્ડર બેટર થયા ફ્લોપ
મેચ વિશે વાત કરીએ તો RCBએ ગ્લેન મેક્સવેલને ત્રીજા નંબર પર પ્રમોટ કર્યો હતો, જે માત્ર એક જ રન બનાવી શક્યો હતો. ચોથા નંબર પર સૌરવ ચૌહાણ આવ્યો, જે 6 બોલમાં 9 રન બનાવી શક્યો હતો અને પાંચમા નંબરે કેમરોન ગ્રીન આવ્યો હતો, જેણે 6 બોલમાં 5 રન બનાવ્યા હતા. જ્યારે દિનેશ કાર્તિક ડેથ ઓવર્સમાં સૌથી મોટો મેચ ફિનિશર સાબિત થાય છે તો તેને કેમ બેટિંગ માટે મોકલવામાં આવ્યો નહીં, આ પણ એક મોટો સવાલ છે.