વિકેટ પડી જાય તો હાર્દિક બીજાને આગળ કરે છે...: MIની હાર બાદ પૂર્વ ક્રિકેટર ફરી ભડક્યો
Image Source: Twitter
IPL 2024 RR vs MI, Irfan Pathan on Hardik Pandya: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં 22 એપ્રિલના રોજ મુંબઈ ઈન્ડિયન્સે ફરી એક વખત રાજસ્થાન રોયલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આઠ મેચોમાં મુંબઈ ઈન્ડિયન્સ માત્ર ત્રણ જ મેચ જીતી શકી છે અને આ વચ્ચે MIના કેપ્ટન હાર્દિક પંડ્યા સતત ટિકાકારોના નિશાન પર છે. રાજસ્થાન રોયલ્સ તરફથી સલામી બેટ્સમેન યશસ્વી જયસ્વાલે સદી ફટકારી હતી અને સંદિપ શર્માએ પાંચ વિકેટ ઝડપી હતી. આ મેચ બાદ ઈરફાન પઠાણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે યશસ્વી જયસ્વાલના ખૂબ જ વખાણ કર્યા છે પરંતુ આ સાથે જ તેણે ફરી એક વખત હાર્દિક પંડ્યા પર નિશાન સાધ્યું છે. આ સાથે જ ઈરફાન પઠાણે કહ્યું કે તે જે પ્રકારના ફોર્મમાં છે તે ટીમ ઈન્ડિયા માટે સારી વાત નથી.
ઈરફાન પઠાણે યશસ્વી જયસ્વાલના વખાણ કર્યા
ઈરફાન પઠાણે યશસ્વી જયસ્વાલના વખાણ કર્યા અને કહ્યું કે જ્યારે તે શરૂઆતની મેચોમાં વધારે રન નહોતો બનાવી રહ્યો ત્યારે પણ તે 140ના સ્ટ્રાઈક રેટથી રન બનાવી રહ્યો હતો. આ જ કારણોસર તેના આટલા વખાણ થાય છે. ઈરફાને કહ્યું કે હાર્દિક પંડ્યા IPLમાં ફોર્મમાં વાપસી કરવા માટે સરળ રસ્તાઓ શોધી રહ્યો છે અને આવી સ્થિતિમાં તમને તમારા સાથી ખેલાડીઓ તરફથી રિસ્પેક્ટ ન મળે.
વિકેટ પડી જાય તો હાર્દિક બીજાને આગળ કરે છે
જ્યારે ઓપનર રન બનાવે છે ત્યારે તે બેટિંગ ઓર્ડરમાં આગળ આવે છે અને જ્યારે વિકેટ જલ્દી પડી જાય છે ત્યારે ટીમ ડેવિડ અને નેહલ વઢેરાને આગળ કરે છે. આવી રીતે તમે ટીમમાં રિસ્પેક્ટ ન મેળવી શકો. આ સાથે જ ઈરફાન પઠાણે કહ્યું કે, હાર્દિક પંડ્યાનો હિટિંગ પાવર ઘટી રહ્યો છે, આ ટીમ ઈન્ડિયા માટે સારી બાબત નથી. હાર્દિક પંડ્યાને આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે પરંતુ ટીમનું પ્રદર્શન આ સિઝનમાં ખૂબ જ ખરાબ નજર આવી રહ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સ પર હવે પ્લેઓફની રેસમાંથી બહાર થવાનો ખતરો મંડરાઈ રહ્યો છે.