IND vs NZ: પરાજય બાદ રોહિત-વિરાટ માટે આવ્યો ખાસ સંદેશ, કરવું પડશે આ કામ
Irfan Pathan Give Message To Virat Kohli & Rohit Sharma : ન્યૂઝીલેન્ડની ટીમે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝમાં ભારતે સામે 2-0ની સરસાઈ હાંસલ કરી લીધી છે. પૂણે ટેસ્ટમાં ભારતીય ટીમની ખૂબ જ નબળી બેટિંગ જોવા મળી હતી. ન્યૂઝીલેન્ડનો સ્પીનર મિશેલ સેન્ટનર એકલો જ ભારતના બેટરો પર હાવી થયો હતો. કેપ્ટન રોહિત શર્માથી લઈને વિરાટ કોહલી સુધી સેન્ટનરની બોલિંગ સામે બધા પવેલીયન ભેગા થઇ ગયા હતા.
સેન્ટનેરે બંને ઇનિંગમાં વિરાટ કોહલીને પોતાનો શિકાર બનાવ્યો હતો. તો બીજી ઈનિંગમાં તેણે રોહિત શર્માને પણ આઉટ કર્યો હતો. હવે પૂણે ટેસ્ટમાં હાર બાદ પૂર્વ દિગ્ગજ પાસે ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓ ખાસ કરીને રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે ખાસ સંદેશ છે. ભારતીય ટીમના બે સૌથી સિનિયર ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલી પૂણે ટેસ્ટની બંને ઈનિંગ્સમાં ફ્લોપ સાબિત થયા હતા. ટીમની બેટિંગ આ બંને ખેલાડીઓ પર ઘણીખરી નિર્ભર કરે છે. પરંતુ આ બંને ખેલાડીઓ સ્પિન સામે અસફળ સાબિત થયા હતા.
પૂણે ટેસ્ટમાં હાર મળ્યા બાદ ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે ટ્વીટ કર્યું છે કે, 'જો આપણે સ્પિન બોલરો સામે રમવામાં સુધારો કરવો હોય તો સાઇડ-આર્મ પ્રેક્ટિસ પર થોડો ઓછો ભાર આપવો જોઈએ.' બીજી પોસ્ટમાં ઈરફાન પઠાણે લખ્યું કે, 'ન્યૂઝીલેન્ડને ભારતીય ધરતી પર સીરિઝ જીતવા બદલ અભિનંદન! ભારતીય ટીમે ઘણું વિચારવાની જરૂર છે. સિનિયર ખેલાડીઓએ આગળ આવવું પડશે અને રમતના આ અંતિમ ફોર્મેટમાં સારું પ્રદર્શન કરવું પડશે. તેના માટે આગામી ત્રણ મહિના મહત્ત્વના રહેશે.'
ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી ટેસ્ટ મેચ રમ્યા બાદ બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર જશે. આ પ્રવાસમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝ રમાશે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલીનું ફોર્મ ભારત માટે ઘણું મહત્ત્વનું છે. ત્યાં ભારતીય બેટરોનો સામનો ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિન બોલર નાથન લિયોન સાથે થશે.