‘આવું નહીં કરે તો ટીમ પાસેથી સન્માન મેળવી શકશે નહીં..’, પઠાણે ફરીવાર પંડ્યા પર સાધ્યું નિશાન
Image:IANS |
Irfan Pathan On Hardik Pandya : IPL 2024માં ગઈકાલે રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે MIના હોમ ગ્રાઉન્ડ પર મેચ રમાઈ હતી. આ મેચમાં રાજસ્થાન રોયલ્સે હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઇન્ડિયન્સની ટીમને 6 વિકેટે હરાવી હતી. આ મુંબઈ ઇન્ડિયન્સની સતત ત્રીજી હાર હતી. આ કારમી હાર હાર્દિક પંડ્યાથી પહેલાથી જ નારાજ ચાહકો સહિત ઘણા ક્રિકેટ નિષ્ણાંતો માટે નિરાશાજનક હતી. પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ પણ તેમાંથી એક છે. હૈદરાબાદ સામેની બીજી મેચમાં પંડ્યાના બેટિંગ પર સવાલ ઉઠાવનાર પઠાણે ફરી એકવાર પંડ્યા પર નિશાન સાધ્યું છે.
પઠાણે ફરી એકવાર પંડ્યા પર નિશાન સાધ્યું
મુંબઈ અને રાજસ્થાન વચ્ચેની મેચ દરમિયાન અને પછી ઈરફાન પઠાણે એક પછી એક અડધો ડઝન ટ્વિટ કર્યા હતા. જેમાં તેણે રિયાન પરાગની બેટિંગના દિલથી વખાણ કર્યા હતા. જસપ્રીત બુમરાહને પહેલી ઓવર આપવાના નિર્ણયનું કારણ સમજાવ્યું હતું. પરંતુ તેની સૌથી વધુ ચર્ચા તે ટ્વીટ હતી જેમાં પઠાણ કેપ્ટનશિપ પર પોતાનો અભિપ્રાય આપી રહ્યો છે. ઈરફાને લખ્યું, 'તમે હંમેશા ઈચ્છો છો કે તમારો લીડર સૌથી મુશ્કેલ કામ કરે. જો તે આવું નહીં કરે તો તે પોતાની ટીમ પાસેથી સન્માન મેળવી શકશે નહીં.’
હાર્દિકની ધીમી બેટિંગની કરી હતી ટીકા
મુંબઈ ઈન્ડિયન્સને સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની છેલ્લી મેચમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો. તે મેચમાં MIના દરેક બેટરે 200 કે તેથી વધુના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા 278 રનના ટાર્ગેટનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો. કેપ્ટન હાર્દિક પંડ્યા એકમાત્ર બેટર હતો જેણે પોતાની ધીમી બેટિંગથી બધાને નિરાશ કર્યા હતા. તે સમયે પઠાણે ટ્વિટર પર લખ્યું હતું કે, 'જો આખી ટીમ 200ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી રહી છે તો કેપ્ટન 120ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી શકે નહીં.'