હવે ગાઝાના સમર્થનમાં ઉતર્યા ભારતના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર, પીડિત લોકોને લઈને આપ્યો મેસેજ
ઇરફાન પઠાન પહેલા સાનિયા મિર્ઝા ગાઝાના પીડિત લોકોના સમર્થનમાં આવી હતી
Image:Twitter |
Irfan Pathan on Gaza Victims : ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર ઇરફાન પઠાન ગાઝાના સમર્થનમાં ઉતર્યો છે અને ત્યાં મરતા માસૂમ બાળકો માટે અવાજ ઉઠાવ્યો છે. ભારતીય પૂર્વ ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા બાદ હવે ઇરફાન પઠાને પણ ગાઝાના પીડિત લોકોને લઈને એક મેસેજ આપ્યો છે.
ઇરફાન પઠાને ગાઝાના પીડિત લોકો માટે શું કહ્યું
ઇરફાન પઠાને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું, 'ગાઝામાં દરરોજ 0થી 10 વર્ષની વયના નિર્દોષ બાળકો મરી રહ્યા છે, અને સમગ્ર વિશ્વ શાંત બેઠું છે. એક ખેલાડી હોવાના કારણે હું માત્ર મારો અવાજ ઉઠાવી શકું છું. પરંતુ હવે સમય આવી ગયો છે કે વિશ્વના નેતાઓએ એકસાથે આવીને આનો અંત લાવવો જોઈએ.'
સાનિયા મિર્ઝા પણ ગાઝાના સમર્થનમાં આવી
ઇરફાન પઠાન પહેલા સાનિયા મિર્ઝા પણ ગાઝાના લોકોના સમર્થનમાં આવી હતી. સાનિયાએ કહ્યું હતું કે, 'તેનાથી કોઈ ફરક નથી પડતો કે તમે કોના પક્ષમાં વિચારી રહ્યા છો, તમારા રાજકીય મંતવ્યો શું છે, તમે સમાચારોમાં શું સાંભળી રહ્યા છો. પરંતુ શું આપણે બધા ઓછામાં ઓછા 20 લાખથી વધુ વસ્તીવાળા શહેરના નિર્દોષ લોકો માટે ખોરાક, પાણી અને વીજળી કાપી નાખવા પર પણ સહમત થઇ શકીએ છીએ? આ એવા લોકો છે જેમની પાસે રહેવા માટે કોઈ જગ્યા નથી. બોમ્બબારી દરમિયાન છુપાઈને રહેવા માટે કોઈ જગ્યા નથી, તેમની અડધાથી વધુ વસ્તીમાં મોટી સંખ્યામાં બાળકો છે. શું આ માનવીય સંકટ કઈ બોલવા લાયક નથી?"