કોલકાતા અને રાજસ્થાનની પ્લેઑફમાં જગ્યા પાક્કી... બે સ્થાનો માટે સાત ટીમોમાં ટક્કર, સમજો સમીકરણ
IPL Playoff Scenarios: લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) પર 98 રનની જોરદાર જીત બાદ કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર) આઈપીએલ 2024ના પોઈન્ટ ટેબલમાં 16 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન પર છે. તેણે રાજસ્થાન રોયલ્સને પાછળ પાડી દીધું છે. રાજસ્થાનના પણ 16 પોઈન્ટ છે, પરંતુ નેટ રન રેટના આધારે તે કોલકાતાથી પાછળ છે. આ બંને ટીમો પ્લેઓફની રેસમાં આગળ ચાલી રહી છે ,અને તેઓ છેલ્લા ચારમાં પહોંચશે તે લગભગ ફાયનલ છે.
ચેન્નઈ, સનરાઈઝર્સ અને લખનૌ પર છે બધાની નજર
ત્રીજી અને ચોથી ટીમો માટેની રેસ તેજ થઈ ગઈ છે. આ બે જગ્યા માટે 7 ટીમો સ્પર્ધામાં છે. તેમાં ચેન્નઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપરજાયન્ટ્સ સૌથી આગળ છે. આ ત્રણેયને 12-12 અંક મળેલા છે. સનરાઈઝર્સએ ચેન્નઈ અને લખનૌ કરતા એક મેચ ઓછી રમી છે. એક જીત ટીમનું સ્થાન પ્લેઓફમાં લગભગ પાક્કુ કરી શકે છે. ચેન્નઈ ત્રીજા સ્થાને, સનરાઈઝર્સ ચોથા સ્થાને અને લખનૌ પાંચમા સ્થાને છે.
મુંબઈની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર
મુંબઈ ઈન્ડિયન્સ સિવાય કોઈ ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર નથી. મુંબઈના 11 મેચમાં માત્ર 6 પોઈન્ટ છે. તેને 3 જીત અને 8 હાર મળી છે. દિલ્હી કેપિટલ્સની ટીમ 11 મેચમાં 10 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. જો તે બાકીની ત્રણ મેચ જીતી લે તો પ્લેઓફમાં પહોંચી શકે છે. આ માટે તેણે રાજસ્થાન રોયલ્સ, આરસીબી અને લખનૌને હરાવવી પડશે.