ધોનીએ IPL 2023 બાદ જ નિવૃત્તિ લઈ લેવી જોઇતી હતી, હવે સન્માન ગુમાવી રહ્યો છે : મનોજ તિવારી
Majoj Tiwary On MS Dhoni: પૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ તિવારીએ એમએસ ધોની અંગે નિવેદન આપતા કહ્યું કે, ધોનીએ IPL 2023 પછી નિવૃત્તિ લઈ લેવી જોઈતી હતી. એમએસ ધોની ધીમે-ધીમે હવે CSKના ચાહકોમાં પોતાનું સન્માન ગુમાવી રહ્યો છે. એમએસ ધોની વર્તમાન સિઝનમાં શાનદાર પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે.
IPL 2025માં અત્યાર સુધીમાં ચાર મેચમાં એમએસ ધોનીએ 76 રન બનાવ્યા છે, પરંતુ ચાહકો અને એક્સપર્ટ તેના બેટિંગ ઓર્ડર પર સવાલ ઉઠાવી રહ્યા છે. શનિવારે દિલ્હી સામે ધોની સાતમા નંબરે બેટિંગ કરવા આવ્યો અને તેણે 26 બોલમાં અણનમ 30 રન બનાવ્યા. શનિવારે CSKને સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો હતો.
મનોજ તિવારીએ શું કહ્યું?
મનોજ તિવારીએ ક્રિકબઝ સાથે વાત કરતા કહ્યું કે, 'ચાહકો હવે CSKના લેજેન્ડનું સન્માન નથી કરતા, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે, માહીનો જાદુ હવે કામ કરી નથી રહ્યો. મને લાગે છે કે ધોનીએ IPL 2023 પછી નિવૃત્તિ લઈ લેવી જોઈતી હતી, ત્યારે તેણે IPL ટ્રોફી પણ જીતી હતી. મારું માનવું છે કે તેણે ક્રિકેટ દ્વારા જે નામ, પૈસા અને સન્માન મેળવ્યું છે તે છેલ્લા બે સીઝનમાં રમવાને કારણે ખતમ થઈ રહ્યું છે. ક્રિકેટ ચાહકો તેને આ રીતે રમતા ન જોઈ શકશે અને તેનો સ્પાર્ક ચમક ઓછો થઈ રહ્યો છે. માહી ભાઈએ વર્ષોથી ચાહકોમાં ખાસ કરીને CSK ચાહકોના હૃદયમાં જે વિશ્વાસ કમાયો છે, તે હવે ઓછો થઈ રહ્યો છે. છેલ્લી મેચ પછી ધોની ભાઈ વિરુદ્ધ રસ્તા પર ઉતરીને ક્રિકેટ ચાહકોએ જે કહ્યું તે દર્શાવે છે કે તેનો જાદુ હવે કામ નથી આવી રહ્યો.'
આ પણ વાંચો: મુંબઈ ઈન્ડિયન્સ માટે ખુશખબર, જસપ્રીત બુમરાહ આ મેચથી કરશે વાપસી!