આજે જયપુરમાં કોલકાતા અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર

- રસેલને અટકાવવા રાજસ્થાને ખાસ વ્યૂહ ઘડવો પડશે

- રાત્રે ૮.૦૦ વાગ્યાથી મેચ શરૃ થશે

Updated: Apr 6th, 2019


Google NewsGoogle News
આજે જયપુરમાં કોલકાતા અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર 1 - image

જયપુર, તા.૬

ઈન ફોર્મ રસેલના ઝંઝાવાતી ફોર્મને સહારે ચારમાંથી ત્રણ મેચ જીતી ચુકેલી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ આવતીકાલે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. રસેલે માત્ર ૧૩ બોલમાં અણનમ ૪૮ રન ફટકારતાં કોલકાતાએ બેંગ્લોર સામેની હારની બાજી જીતમાં પલ્ટી નાંખી હતી. હવે જયપુરમાં રસેલનો જાદુ ચાલશે કે નહી તે જોવાનું રહેશે. 

રાજસ્થાનની ટીમ ચારમાથી ત્રણ મેચ હારી ચૂકી છે. જોકે રહાણે માટે હકારાત્મક બાબત એ છે કે તેઓ છેલ્લી બેંગ્લોર સામેની મેચમાં વિજેતા બન્યા હતા. ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ બેટ્સમેન સ્ટિવ સ્મિથ તેમની ટીમમાં છે. આ ઉપરાંત ઈંગ્લેન્ડના જોશ બટલર અને સ્ટોક્સ જેવા સુપરસ્ટાર્ પણ રાજસ્થાન પાસે છે, જેના સહારે તેઓ કોલકાતાને હરાવવાનો પ્રયાસ કરશે.

જયપુરમાં રમાનારી ટી-૨૦માં રાજસ્થાનની બોલિંગ શ્રેયસ ગોપાલની સાથે સાથે જોફ્રા એર્ચેર અને સ્ટુઅર્ટ બિન્ની જેવા બોલરો સંભાળશે. જોકે કોલકાતાની અનુભવી બેટીંગ લાઈનઅપને અટકાવવી આસાન નહી રહે. દિનેશ કાર્તિકની ટીમમાં રસેલ જેવા ઈન ફોર્મ સુપરસ્ટારની સાથે નિતિશ રાણા છે, જે ચાલુ સિઝનમાં સાતત્યભર્યો દેખાવ કરી ચૂક્યો છે. આ ઉપરાંત ક્રિસ લીન, રોબિન ઉથપ્પા તેમજ શુભમન ગીલ જેવા બેટ્સમેનો છે.

કોલકાતા પાસે સુનિલ નારાયણ, કુલદીપ યાદવ, પિયુષ ચાવલા જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સ્પિનરો છે. આ ઉપરાંત રસેલ અને  લોકી ફર્ગ્યુસન જેવા ફાસ્ટ બોલરો છે. 



Google NewsGoogle News