IPLમાં કરોડો કમાનારા ખેલાડીઓ 10-12મું પાસ, તો કોઈ એન્જિનિયર, જુઓ યાદી
IPL Cricketers Education: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની હરાજી સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાઈ હતી. આ મેગા ઓક્શનમાં 577 ખેલાડીઓમાંથી માત્ર 182 ખેલાડીઓ વેચાયા હતા જેમાંથી 62 વિદેશી છે. 10 ટીમોએ કુલ 639.15 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ વખતે IPLની હરાજીમાં રિષભ પંત (27 કરોડ, લખનૌ સુપર જાયન્ટ્સ) સૌથી મોંઘો ખેલાડી રહ્યો છે. આ સિવાય બિહારના વૈભવ સૂર્યવંશી સૌથી નાની ઉંમરે (13 વર્ષ) આઈપીએલ ટીમનો ભાગ બની ચર્ચામાં આવ્યો છે. આવો જાણીએ IPLમાં કરોડોની કમાણી કરનારા ભારતીય ખેલાડીઓ કેટલું ભણેલા છે?
1. ઋષભ પંત
રિષભ પંત IPLના ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી રહ્યો છે. લખનઉ સુપર જાયન્ટ્સે તેને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ઋષભ પંતે ઉત્તરાખંડના દેહરાદૂનમાં સ્થિત ઈન્ડિયન પબ્લિક સ્કૂલમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ દિલ્હી યુનિવર્સિટીની વેંકટેશ્વર કોલેજમાંથી બીકોમ ડિગ્રી મેળવી હતી.
2. શ્રેયસ અય્યર
શ્રેયસ અય્યરને પંજાબ કિંગ્સે રૂ. 26.7 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. શ્રેયસે તેનું સ્કૂલિંગ મુંબઈની ડોન બોસ્કો હાઈસ્કૂલમાંથી કર્યું હતું, મુંબઈની આર. એ. પોદ્દાર કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાંથી સ્નાતક થયો હતો..
3. વેંકટેશ ઐયર
વેંકટેશ ઐયરને કોલકાતા નાઈટ રાઈડર્સે 23.75 કરોડમાં ખરીદ્યો છે. તેનું શાળાકીય શિક્ષણ સેન્ટ પોલ સ્કૂલમાંથી પૂર્ણ કર્યું હતું. બાદમાં રેનેસાં કોલેજમાંથી બીકોમ કર્યા બાદ DAVVમાંથી ફાઈનાન્સમાં એમબીએ પણ કર્યું હતું. વર્ષ 2016માં સીએ ઇન્ટરમીડિયેટની પરીક્ષા પણ પાસ કરી હતી. વર્ષ 2018માં તેને સીએની જોબ ઓફર પણ આવી હતી, પરંતુ તેણે ક્રિકેટને પસંદ કર્યું.
આ પણ વાંચોઃ વિશ્વમાં ખર્ચ કરવા મામલે પણ ભારતીય ધનિક ઉદ્યોગ સાહસિકો અગ્રેસર, આ સેગમેન્ટમાં રોકાણ વધુ
4. અર્શદીપ સિંહ
લેફ્ટ આર્મ બોલર અર્શદીપ સિંહને પંજાબ કિંગ્સની ટીમમાં રૂ. 18 કરોડમાં સામેલ કરવામાં આવ્યો છે. તેણે ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. અર્શદીપ સિંહે SD કોલેજ-32, ચંદીગઢમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ગુરુ નાનક પબ્લિક સ્કૂલ (GNPS)-36, સેક્ટર-36, ચંદીગઢની ક્રિકેટ એકેડમીમાંથી તાલીમ લીધી હતી.
5. યુઝવેન્દ્ર ચહલ
પંજાબ કિંગ્સે યુઝવેન્દ્ર ચહલને 18 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. તેણે ડીએવી પબ્લિક સ્કૂલમાંથી શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યો હતો. વધુ અભ્યાસ માટે, તેમણે મહાત્મા ગાંધી કોલેજ ઓફ હેલ્થ સાયન્સ, હરિયાણામાં પ્રવેશ લીધો હતો. જ્યાંથી તેણે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. ક્રિકેટની સાથે યુઝવેન્દ્ર ચહલ રાષ્ટ્રીય સ્તરે ચેસ ચેમ્પિયન પણ છે.
6. કેએલ રાહુલ
દિલ્હી કેપિટલ્સ ટીમે રૂ. 14 કરોડમાં કેએલ રાહુલને ખરીદ્યો છે. તેણે એનઆઈટીકેમાં હાઈસ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ક્રિકેટ માટે બેંગલુરુ શિફ્ટ થયો હતો, જ્યાંથી તેણે બેચલર્સ ઑફ કોમર્સ કર્યું.
7. મોહમ્મદ સિરાજ
મોહમ્મદ સિરાજને ગુજરાત ટાઇટન્સે રૂ. 12.25 કરોડમાં ખરીદ્યો છે. અત્યંત ગરીબ પરિવારમાંથી આવતા મોહમ્મદ સિરાજે 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેના પિતા ઓટો રિક્ષા ચલાવતા હતા. જોકે, પોતાની પ્રતિભાથી ક્રિકેટમાં નામ કમાયા બાદ તેલંગાણા સરકારે સિરાજને સન્માનિત કરતાં સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ તેલંગાણા પોલીસમાં ડીએસપીનું પદ આપ્યું છે. સિરાજની પોસ્ટિંગ હૈદરાબાદમાં છે.
8. મોહમ્મદ શમી
સનરાઇઝર્સ હૈદરાબાદે 10 કરોડ રૂપિયામાં મોહમ્મદ શમીને ખરીદ્યો છે. મોહમ્દ શમી 10 ધોરણ સુધી જ ભણ્યો છે. તેણે મુરાદાબાદની આમિર હસન ખાન પીજી કોલેજમાં એડમિશન લીધું હતું, પરંતુ રમતગમતને કારણે અભ્યાસ છોડી દીધો હતો. તે માત્ર 15 વર્ષની ઉંમરે ક્રિકેટ એકેડમીમાં જોડાયો અને ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
9. રવિચંદ્રન અશ્વિન
સ્પિનર બોલર રવિચંદ્રન અશ્વિનને રૂ. 9.75 કરોડમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેણે પદ્મ શેષાદ્રી બાલા ભવન અને સેન્ટ બેડ્સ એંગ્લો ઈન્ડિયન હાયર સેકન્ડરી સ્કૂલમાંથી શાળાકીય અભ્યાસ કર્યો હતો. બાદમાં SSN કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં બીટેક કર્યું હતું. જો તે ક્રિકેટર ન બન્યો હોત તો આઈટી એન્જિનિયર તરીકે કામ કરતો હોત.
10. હર્ષલ પટેલ
ફાસ્ટ બોલર હર્ષલ પટેલને સનરાઇઝર્સ હૈદરાબાદે રૂ. 8 કરોડમાં ખરીદ્યો છે. તેણે અમદાવાદની ખાનગી શાળામાંથી શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અમદાવાદની એચએ કોલેજ ઓફ કોમર્સમાંથી બીકોમ કર્યું હતું.
આ પણ વાંચોઃGoogle નું એલર્ટ! આ 5 રીતે તમે પણ Scam નો શિકાર બની જશો, જાણો બચવાની રીત
11. રાહુલ ત્રિપાઠી
રાહુલ ત્રિપાઠી રૂ. 3.40 કરોડમાં ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ સાથે જોડાયો છે. હાલમાં તેના ભણતર વિશે વધુ માહિતી મળી નથી, પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ત્રિપાઠીએ આર્મી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તે એન્જીનિયર બનવા માંગતો હતો પરંતુ ક્રિકેટ પ્રત્યેના તેના જુસ્સાએ તેને ક્રિકેટર બનાવી દીધો. તેના પિતા અજય ત્રિપાઠી ભારતીય સેનામાં છે અને તે પણ ક્રિકેટર રહી ચૂક્યા છે.
12. અજિંક્ય રહાણે
અજિંક્ય રહાણેને કોલકાતા નાઈટ રાઈડર્સે રૂ. 1.50 કરોડમાં ખરીદ્યો છે. તેણે મુંબઈની એક યુનિવર્સિટીમાંથી કોમર્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે.
13. વૈભવ સૂર્યવંશી
માત્ર 13 વર્ષના વૈભવ સૂર્યવંશીને રાજસ્થાન રોયલ્સ ટીમે રૂ. 1.10 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. તે બિહારના સમસ્તીપુરનો વતની છે અને તાજપુર બિહારની મુક્તેશ્વર સિંહા મોડેસ્ટી સ્કૂલમાં 8માં ધોરણનો વિદ્યાર્થી છે.