એક વર્ષમાં 2 IPL રમાશે? T20ની જગ્યાએ T10 ફોર્મેટમાં યોજાશે મેચ, ક્રિકેટ ચાહકોની ઉત્સુકતા વધી
IPL 2024નું આયોજન 22 માર્ચથી થવા જઈ રહ્યું છે
CSK અને RCB વચ્ચે ઓપનિંગ મેચ રમાશે
Image:File Photo |
Two IPL In One Year : IPL દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાંની એક છે. IPLના ચાહકો માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં છે. હવે IPLને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા અહેવાલો મુજબ BCCI એક વર્ષમાં બે વખત આ લીગનું આયોજન કરવાની યોજના બનાવી રહી છે. IPLની 17મી સિઝન 22 માર્ચથી શરુ થવા જઈ રહી છે. IPL 2024ની ઓપનિંગ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાનાર છે.
ભારતીય ટીમના પૂર્વ કોચે પણ કહી હતી આ વાત
અગાઉ ભારતીય ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી પણ એક વર્ષમાં બે IPLની વાત કહી ચૂક્યા છે. એક વર્ષમાં બે IPLની વાત કરનાર રવિ શાસ્ત્રી પ્રથમ હતા એમ કહેવું ખોટું નહીં હોય. તેમણે કહ્યું હતું કે આ લીગની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં એક વર્ષમાં બે IPLનું આયોજન કરવામાં આવી શકે છે.
યોગ્ય વિન્ડો શોધવી સૌથી મોટો પડકાર
BCCI માટે સૌથી મોટો પડકાર યોગ્ય વિન્ડો શોધવાનો છે. એક વર્ષમાં બે IPL ત્યારે જ શક્ય બનશે જો વર્ષમાં કોઈ ICC ઈવેન્ટ ન હોય અથવા તો ઘણી દ્વિપક્ષીય સીરિઝનું આયોજન ન થાય. IPL ચેરમેન અરુણ ધૂમલે આ ચેલેન્જ સ્વીકારી હતી. જો કે તેમણે વિકલ્પો શોધવાની પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, "અમારે 84 મેચો અને પછી 94 મેચો માટે વિન્ડો શોધવાની જરૂર છે."
T10 ફોર્મેટમાં રમાશે IPL?
BCCI માટે એક વર્ષમાં બે IPL માટે વિન્ડો શોધવી આસાન નહીં હોય. BCCI બીજી IPLને T20ની જગ્યાએ T10 ફોર્મેટમાં આયોજિત કરી શકે તેવું બની શકે છે. આવી સ્થિતિમાં ઓછી વિન્ડોમાં મેચનું આયોજન થઇ શકે છે. જો કે અરુણ ધૂમલે પુષ્ટિ કરી છે કે T10 ફોર્મેટના સંબંધમાં હાલ કોઈ ચર્ચા થઇ નથી. જો કે તેમણે એમ પણ કહ્યું કે ભવિષ્યમાં કોઈપણ નિર્ણય રમતના શ્રેષ્ઠ હિતમાં લેવામાં આવશે.