IPL Auction: ભારતીય ફાસ્ટ બોલર્સની બોલબાલા! 4 દિગ્ગજ માટે ટીમોએ ખોલી તિજોરી, એકને 10 કરોડથી વધુ મળ્યા
IPL Auction 2025: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની સીઝન માટે બે દિવસીય મેગા ઑક્શન સાઉદી અરબના જેદ્દામાં ચાલી રહ્યું છે. આજે બીજા અને અંતિમ દિવસનું ઑક્શન બપોરે 3:30 કલાકે શરુ થયું હતું. જેમાં હજુ 132 ખેલાડીઓનું ઑક્શન બાકી હતું. જ્યારે તેની સામે દરેક ટીમ પાસે ગઈ કાલના ઑક્શન બાદ કુલ 173.55 કરોડ વધ્યા છે.
ઑક્શનના પહેલા દિવસે 3 ખેલાડીઓ પર એટલા પૈસા વરસ્યા કે IPL ઇતિહાસના તમામ રૅકોર્ડ તૂટી ગયા. જેમાં રિષભ પંત, મિડલ ઓર્ડર બેટર શ્રેયસ અય્યર અને ઓલરાઉન્ડર વેંકટેશ અય્યરનો સમાવેશ થાય છે. પંતને લખનઉ સુપર જાયન્ટ્સએ રૂ. 27 કરોડની બોલી લગાવીને ખરીદ્યો હતો. આ રીતે પંત IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.
આજે ભારતીય ફાસ્ટ બોલર્સની બોલબાલા રહી
જ્યારે આજના ઑકશનમાં ભારતીય ફાસ્ટ બોલર્સની બોલબાલા રહી હતી. જેમાં ફાસ્ટ બોલર મુકેશ કુમાર ફરી દિલ્હીની ટીમમાં સામેલ થયો છે. મુકેશને દિલ્હી કેપિટલ્સએ રૂ. 8 કરોડમાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇઝ રૂ. 2 કરોડ હતી. મુકેશને ખરીદવા માટે દિલ્હીની ટીમે આરટીએમ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. જ્યારે આકાશ દીપને લખનઉ સુપર જાયન્ટ્સએ રૂ. 8 કરોડમાં ખરીદ્યો છે.
તેમજ ભારતીય ફાસ્ટ બોલર દિપક ચહરને મુંબઈ ઇન્ડિયન્સએ રૂ. 9.25 કરોડમાં ખરીદ્યો છે. દિપકની બેઝ પ્રાઇઝ રૂ. 2 કરોડ હતી. આ સાથે જ ભુવનેશ્વર કુમારને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ રૂ. 10.75 કરોડમાં ખરીદ્યો છે. ભુવીની બેઝ પ્રાઇઝ રૂ. 2 કરોડ હતી.
જો ગઈકાલના ઑક્શનની વાત કરીએ તો પ્રસિદ્ધ કૃષ્ણને ગુજરાત ટાઇટન્સએ રૂ. 9.5 કરોડમાં ખરીદ્યો હતો. જ્યારે અવેશ ખાનને લખનઉ સુપર જાયન્ટ્સએ રૂ. 9.75 કરોડમાં, ખલીલ અહેમદને ચેન્નઈ સુપર કિંગ્સએ રૂ. 4.8 કરોડમાં, ટી. નટરાજનને રૂ. 10.75 કરોડમાં દિલ્હી કેપિટલ્સએ ખરીદ્યો હતો, તેમજ હર્ષલ પટેલને રૂ. 8 કરોડમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો હતો.