IPL મેગા ઓક્શન લિસ્ટના 12 એવા ખેલાડી જેમના પર કરોડો રૂપિયા લૂંટાવશે ટીમો, જુઓ લિસ્ટ
IPL Mega Auction 2025: BCCIએ IPL ઓક્શન 2025 સાથે જોડાયેલી કેટલીક બાબતો શેર કરી છે. આ સિઝનમાં રજીસ્ટર્ડ ખેલાડીઓની સાથે આ વખતના માર્કી ખેલાડીઓના નામ પણ સામેલ છે. આ વખતે આ યાદીમાં કુલ 12 ખેલાડીઓ સામેલ છે. તેમાં પોતપોતાની ફ્રેન્ચાઈઝીમાંથી રિલીઝ કરાયેલા ત્રણ કેપ્ટનનો પણ સમાવેશ થાય છે.
24 અને 25 નવેમ્બરે સાઉદી અરેબિયા થશે ઓક્શન
આ ઓક્શન 24 અને 25 નવેમ્બર 2024માં સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં થશે. કુલ સાત ભારતીય ખેલાડીઓ બાર ખેલાડીઓની માર્કી યાદીમાં સામેલ છે. શ્રેયસ અય્યર, ઋષભ પંત અને કેએલ રાહુલની સાથે આ યાદીમાં અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજનો સમાવેશ થાય છે.
જ્યારે વિદેશી ખેલાડીઓમાં મિશેલ સ્ટાર્ક, જોસ બટલર, લિયામ લિવિંગસ્ટન, ડેવિડ મિલર અને કાગિસો રબાડાનું નામ આવે છે. 2018 પછી પ્રથમ વખત માર્કી ખેલાડીઓની યાદીને બે સેટમાં વહેંચવામાં આવી છે. તે સમયે બે સેટમાં 16 માર્કી ખેલાડીઓ હતા. ગત વખતે 10 માર્કી ખેલાડીઓનો સમૂહ હતો.
ઘણા દિગ્ગજ ખેલાડીઓ ઓક્શનમાં ભાગ નહી લે
આ વખતે ઘણા દિગ્ગજ ખેલાડીઓ ઓક્શનમાં ભાગ નહી લે. ઈંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડી જોફ્રા આર્ચરનું નામ કુલ 574 શોર્ટલિસ્ટ ખેલાડીઓમાં નથી. આર્ચર લાંબા સમય સુધી ઈજાગ્રસ્ત રહ્યા બાદ તાજેતરમાં જ પરત ફર્યો છે. આ માટે મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2022માં 8 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.
શોર્ટલિસ્ટ ખેલાડીઓમાં જેમ્સ એન્ડરસન પણ સામેલ
ઇંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એન્ડરસન પણ શોર્ટલિસ્ટ ખેલાડીઓમાં સામેલ છે. તાજેતરમાં નિવૃત્ત થયેલા એન્ડરસને તેની મોટાભાગની કારકિર્દીમાં રેડ બોલ ક્રિકેટ જ રમ્યું છે. એન્ડરસને છેલ્લે 2014માં T20 મેચ રમી હતી. 42 વર્ષીય એન્ડરસન હવે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી સમાપ્ત કર્યા પછી ફ્રેન્ચાઇઝી ક્રિકેટ રમવા માંગે છે. આ ઓક્શનમાં એન્ડરસન સૌથી વૃદ્ધ ખેલાડી હશે. એન્ડરસને તેની કિંમત 1.25 કરોડ રૂપિયા રાખી છે. તેમજ તે પોતાની કારકિર્દીમાં એક પણ વખત IPLમાં રમ્યો નથી.
આ સૌથી યુવા ખેલાડી પણનું નામ પણ ઓક્શનમાં સામેલ
આ વખતે 42 વર્ષના એન્ડરસનની સાથે 13 વર્ષના વૈભવ સૂર્યવંશીનું નામ પણ ઓક્શનમાં સામેલ છે. આ વખતે તે સૌથી યુવા ખેલાડી હશે. વૈભવ બિહાર માટે પાંચ ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો છે. આ ઉપરાંત, તેણે ભારતીય અંડર-19 ટીમ સાથે બે યુવા ટેસ્ટ મેચ પણ રમી છે. વૈભવે ગયા મહિને ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ સામે પણ સદી ફટકારી હતી.
આ વખતે ટીમને ઓક્શનમાં કાર્ડ મેચ કરવાનો અધિકાર પણ મળશે
આ યાદીમાં શ્રીલંકાના અંડર-19 ફાસ્ટ બોલર ડુમિંડુ સેવામિનાનું નામ પણ સામેલ છે. તેણે અત્યાર સુધી માત્ર એક જ T20 મેચ રમી છે. પરંતુ ક્રિકઇન્ફોના જણાવ્યા અનુસાર, ટીમને તેની લો સ્લિંગિંગ એક્શનમાં ઘણો રસ છે. આ વખતે ટીમને ઓક્શનમાં કાર્ડ મેચ કરવાનો અધિકાર પણ હશે. જો કે, કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ તેનો ઉપયોગ કરી શકશે નહીં. આ બંને ટીમએ છ-છ ખેલાડીઓને રિટેન કર્યા છે. પંજાબ કિંગ્સ પાસે ચાર, આરસીબી પાસે ત્રણ, દિલ્હી પાસે બે, જ્યારે ચેન્નાઈ, ગુજરાત, લખનૌ અને મુંબઈ પાસે એક-એક આરટીએમ કાર્ડ હશે.
કુલ 574 ખેલાડીઓમાંથી 366 ભારતીય અને 208 વિદેશી છે. આ વખતે સહયોગી ટીમોના ત્રણ ખેલાડીઓ પણ ઓક્શનમાં ભાગ લેશે. જેમાં અમેરિકાના અલી ખાન અને ઉન્મુક્ત ચંદનો સમાવેશ થાય છે જ્યારે સ્કોટલેન્ડના બ્રેન્ડન મેકમુલનનો સમાવેશ થાય છે. 10 ટીમ કુલ 204 સ્લોટ માટે ખેલાડીઓ ખરીદશે. તેમાંથી 70 સ્લોટ વિદેશી ખેલાડીઓ માટે છે.