19 ડિસેમ્બરે દુબઈમાં યોજાશે IPL ઓક્શન, 333 ખેલાડીઓની થશે હરાજી, જુઓ લીસ્ટ
યાદીમાં 23 ખેલાડીઓની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા છે, જ્યારે 13 ખેલાડીઓની બેઝ પ્રાઈઝ 1.5 કરોડ રૂપિયા
333 ખેલાડીઓમાંથી IPL-2024માં કુલ 77 ખેલાડીઓને મળશે એન્ટ્રી, BCCIની સત્તાવાર જાહેરાત
IPL Auction Players List : ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024માં ખેલાડીઓની બોલી લગાવવા માટેની તારીખ જાહેર કરાઈ છે. આ વખતે IPLનું ઓક્શન 19 ડિસેમ્બરે દુબઈમાં બપોરે 2.30 કલાકે શરૂ થશે. જે માટે તમામ ટીમો પણ સંપૂર્ણ સજ્જ થઈ ગઈ છે. બીસીસીઆઈની સત્તાવાર પ્રેસ રિલિઝમાં જણાવ્યા મુજબ આ વખતે કુલ 333 ખેલાડીઓની બોલી લગાવાશે, જેમાં 214 ભારતીય ખેલાડીઓ અને 119 વિદેશી ખેલાડીઓ છે. ખેલાડીઓની યાદીમાં એસોસિએટ દેશોના ખેલાડીઓ પણ સામેલ કરાયા છે. કુલ 333 ખેલાડીઓમાંથી 111 કેપ્ડ પ્લેયર છે, જ્યારે 215 અનકેપ્ડ પ્લેયર છે. IPLની ટીમોમાં કુલ 77 ખેલાડીઓ લેવાના હોય છે... એટલે કે 333 ખેલાડીઓમાંથી 77 ખેલાડીઓ પર જ બોલી લગાવાશે.
23 ખેલાડીઓની બેઝ પ્રાઈઝ 2 કરોડ
આ યાદીમાં 23 ખેલાડીઓની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા છે, જ્યારે 13 ખેલાડીઓની બેઝ પ્રાઈઝ 1.5 કરોડ રૂપિયા છે. જ્યારે અન્ય ગણા ખેલાડીઓની બેઝ પ્રાઈઝ 1 કરોડ, 50 લાખ, 30 લાખ અને 10 લાખ રૂપિયા છે. આ ઓક્શનની તારીખો જાહેર થયાના થોડા દિવસે પહેલાં જ તમામ ટીમોએ પોતાના રિલિઝ અને રિટેન કરેલા ખેલાડીઓની યાદી જાહેર કરી હતી, જેમાં ઘણા મોટા ખેલાડીઓને રિલિઝ કરાયા હતા.
ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની બોલબાલા
આ વખતના ઓક્શનમાં ઘણા ચોંકાવનારાઓ નામ સામે આવશે. વર્લ્ડકપમાં ભારતને હરાવ્યા બાદ ઓસ્ટ્રેલિયા ખેલાડીઓ ટોપ પર આવી ગયા છે. વર્લ્ડકપ ફાઈનલમાં ભારત વિરુદ્ધ સદી ફટકારનાર ટ્રેવિસ હેડની પણ હરાજી થશે, જેની બેઝ પ્રાઈઝ 2 કરોડ છે. ઉપરાંત મિચેલ સ્ટાર્ક, સ્ટિવ સ્મિથ, પેટ કમિન્સ અને જોસ ઈંગ્લિશ જેવા ખેલાડી પણ ઓક્શમાં સામેલ થશે, આ તમામની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા છે.
હાર્દિકે MI પસંદ કરતા શુભમન સંભાળશે GTની કેપ્ટનશીપ
ઉલ્લેખનિય છે કે, IPL-2024 શરૂ થાય તે પહેલા જ ઘણા ફેરફારો થયા છે, જેમાં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા ઓક્શન પહેલા જ પોતાની ટીમ છોડી મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયા છે, જ્યારે ગુજરાત ટાઈટન્સે યુવા ખેલાડી શુભમન ગીલને સુકાનીની જવાબદારી સોંપી છે. ઉપરાંત 2024 પહેલા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત પણ પરત ફરી શકે છે.