IPL 2025 પછી ખતમ થઈ જશે સ્ટાર ખેલાડીઓનું કરિયર? આ 5 ખેલાડી લઈ શકે છે નિવૃત્તિ
IPL 2025: IPL 2025નો રોમાંચ પોતાના ચરમ પર છે. આ ટુર્નામેન્ટમાં યુવા ખેલાડીઓ પોતાના પ્રદર્શનથી ધૂમ મચાવી જ રહ્યા છે પણ સાથે-સાથે કેટલાક અનુભવી સ્ટાર્સ પણ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. કેટલાક અનુભવી ખેલાડીઓ છે જેમના માટે આ ટુર્નામેન્ટ છેલ્લી હોઈ શકે છે. આ સિઝન પછી તેઓ IPLમાંથી નિવૃત્તિ લઈ શકે છે. આ યાદીમાં ઘણા મોટા ખેલાડીઓ સામેલ છે. અહીં અમે તમને એવા પાંચ ખેલાડીઓ વિશે જણાવી રહ્યા છીએ જેમની IPL કરિયરનો અંત આવી શકે છે.
ઈશાંત શર્મા
અનુભવી ભારતીય ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ IPL ઓક્શનમાં ઇતિહાસ રચ્યો. તે IPL 2008ના ઓક્શન અને 2025ના મેગા ઓક્શનમાં વેચાયેલો એકમાત્ર ક્રિકેટર બન્યો છે. દિલ્હી કેપિટલ્સ તરફથી રમ્યા બાદ ઈશાંત શર્માને ગુજરાત ટાઈટન્સે 75 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તે કોલકાતા નાઈટ રાઈડર્સ, ડેક્કન ચાર્જર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ, પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ તરફથી રમી ચૂક્યો છે. હવે ઘણી ફ્રેન્ચાઈઝીઓ ઈશાંતમાં રસ નથી દાખવતી. આવી સ્થિતિમાં જો તેનું પ્રદર્શન સારું નહીં રહે તો તેણે નિવૃત્તિ લેવી પડી શકે છે.
મહેન્દ્ર સિંહ ધોની
ચેન્નઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન એમએસ ધોની આઈપીએલ 2025માં રમનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી છે. 43 વર્ષની ઉંમરે પણ ધોનીનું મેદાન પર ઉતરવું તેના ચાહકો માટે કોઈ ગિફ્ટથી ઓછું નથી. CSKને પાંચ આઈપીએલ ટાઈટલ અપાવનાર ધોનીએ બધું જ જીત્યું છે. ઋતુરાજ ગાયકવાડ ઘાયલ થયા બાદ તે ફરીથી ચેન્નઈનો કેપ્ટન બન્યો છે. આમ છતાં તે આગામી સિઝનમાં રમશે કે નહીં તે નક્કી નથી. ધોનીએ તાજેતરમાં આ સંદર્ભમાં કહ્યું છે કે, હું IPL 2025 પૂર્ણ થયા પછી પોતાના શરીરને જોઈશ અને પછી આગળનો નિર્ણય લઈશ.
ફાફ ડુ પ્લેસિસ
દક્ષિણ આફ્રિકાનો દિગ્ગજ ખેલાડી ફાફ ડુ પ્લેસિસ આ IPLમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમી રહ્યો છે. આ સિઝનમાં 3 મેચમાં તેણે 27ની એવરેજથી 81 રન બનાવ્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના પૂર્વ કેપ્ટનને દિલ્હીએ તેની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 40 વર્ષની ઉંમરે ડુ પ્લેસિસ ટુર્નામેન્ટનો બીજો સૌથી મોટી ઉંમરનો ખેલાડી છે. જો તે સારું પ્રદર્શન ન કરી શકે તો આ તેની છેલ્લી સિઝન સાબિત થઈ શકે છે.
રવિચંદ્રન અશ્વિન
ચેન્નઈ સુપર કિંગ્સમાં લાંબા સમય બાદ વાપસી કરનાર રવિચંદ્રન અશ્વિન સિઝનમાં 6 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 5 વિકેટ લીધી છે. અશ્વિન પહેલા જેટલો અસરકારક નથી રહ્યો. તેના બોલ પર રન પણ બની રહ્યા છે. આ સિઝનમાં તેણે અત્યાર સુધીમાં 9.90ના ઈકોનોમી રેટથી રન આપ્યા છે. તાજેતરમાં જ તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનારા આ ખેલાડીના પ્રદર્શનમાં સુધારો નહીં થાય, તો તેને IPLમાંથી પણ નિવૃત્તિ લેવી પડી શકે છે.
મોઈન અલી
ઈંગ્લેન્ડના અનુભવી ઓલરાઉન્ડર મોઈન અલી વધુ એક સિઝન માટે IPLમાં રમશે. મેગા ઓક્શનમાં તેને ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મોઈન અલી ગમે તે ટીમ માટે રમ્યો હોય, તેણે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. બેટ અને બોલ બંનેમાં કુશળ મોઈન અલી ફરી એકવાર પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે. જોકે, હવે તે પોતાના કરિયરના અંતિમ પડાવ પર છે, તેથી આ IPL સીઝન તેની છેલ્લી હોઈ શકે છે.