IPL 2025માં દ્રવિડ કમબેક કરશે...! પોતાની જૂની ટીમ સાથે જ ફરી જોડાશે
IPL 2025: T20 વર્લ્ડ કપ 2024માં ભારતને શાનદાર જીત અપાવવાનો શ્રેય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડને પણ ખૂબ મળ્યો છે. જોકે હવે ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકેનો તેમનો કાર્યકાળ પૂરો થયો છે અને ગંભીરે સુકાન સંભાળ્યું છે. નેશનલ ડ્યૂટીમાંથી હટ્યા બાદ દ્રવિડ હવે IPLમાં હેડ કોચની ભૂમિકામાં આવશે તેવા અણસાર હતા અને KKR સહિતની ટીમોએ આ મામલે દ્રવિડનો સંપર્ક પણ કર્યો હોવાના અહેવાલ હતા. જોકે દ્રવિડ ફરી તેમની જ જૂની ટીમ સાથે જોડાઈ શકે છે.
દ્રવિડ-ગંભીરની ભારતીય ટીમ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના કોચ સ્થાનની અદલાબદલીની અપેક્ષાથી પરે હવે અહેવાલ છે કે દ્રવિડ પોતાની જૂની ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રોયલ્સ સાથે ફરી જોડાઈ શકે છે. રાજસ્થાન રોયલ્સના હેડ કોચના પદ માટે દ્રવિડ વચ્ચે ટીમ માલિકો વચ્ચે વાતચીત ચાલી રહી હોવાના અહેવાલ છે અને અંતિમ નિર્ણય ટૂંક સમયમાં આવી શકે છે.
રાહુલ અને RR વચ્ચે જૂના સંબંધો :
રાહુલ દ્રવિડનો રાજસ્થાન રોયલ્સ સાથે જૂનો લાંબો સંબંધ છે. 2013માં દ્રવિડ આ ટીમના કેપ્ટન હતા અને ટીમને પ્લેઓફમાં પણ પહોંચાડી હતી. બાદમાં 2014 અને 2015માં રાહુલ દ્રવિડે RRના ટીમ મેન્ટોરની ભૂમિકા પણ ભજવી હતી અને ત્યારે ટીમ IPLના પોઈન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાને રહી હતી.
આ પણ વાંચો: વન-ડેમાં બન્યો મહારેકોર્ડ, ડેબ્યૂ મેચમાં કોઈ ખેલાડીએ પહેલીવાર ઝડપી આટલી વિકેટો
જોકે ત્યારબાદથી એટલેકે 2015થી રાહુલ દ્રવિડ BCCI સાથે જોડાયેલા છે. ભારતીય અંડર-19 અને ભારત A ટીમના મુખ્ય કોચ તરીકે સેવા આપ્યા બાદ NCAમાં અધ્યક્ષ પણ બન્યા હતા અને અંતે ઓક્ટોબર 2021થી ભારતીય મેન્સ સીનિયર ટીમના હેડ કોચ તરીકેની જવાબદારી સંભાળી હતી.
હાલમાં રાજસ્થાન રોયલ્સના મુખ્ય કોચ કુમાર સંગાકારા છે. દ્રવિડના આગમન પછી ફ્રેન્ચાઇઝી કુમાર સંગાકારાને જાળવી રાખશે કે પડતા મુકશે તે હજુ સ્પષ્ટ નથી.