IPL 2025માં વધુ એક ખેલાડી ટુર્નામેન્ટમાંથી બહાર, સ્ટાર બોલર ઈજાગ્રસ્ત
IPL 2025: IPL 2025માં શાનદાર ફોર્મમાં ચાલી રહેલી પંજાબ કિંગ્સને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન ઈજાને કારણે આખી સીઝનમાંથી બહાર થઈ ગયો છે. પંજાબના કોચ જેમ્સ હોપ્સે સોમવારે આ વાતની પુષ્ટિ કરી હતી. મંગળવારે પંજાબનો મુકાબલો ઘરઆંગણે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે થશે.
ફર્ગ્યુસન સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની છેલ્લી મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. તે આખી મેચ નહોતો રમી શક્યો અને ચાલુ મેચમાં જ બહાર જતો રહ્યો હતો. આ મેચમાં તેણે માત્ર બે જ બોલ ફેંક્યા હતા.
કોચે આપી જાણકારી
કોલકાતા સામેની મેચ પહેલા કોચ હોપ્સે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, 'લોકી ફર્ગ્યુસન અનિશ્ચિત સમય માટે બહાર થઈ ગયો છે. સિઝનના અંતે તેની અમારી ટીમમાં વાપસીની શક્યતા ખૂબ જ ઓછી છે. મને લાગે છે કે તેને ખૂબ જ ગંભીર ઈજા થઈ છે.'
જોવા જોઈએ તો ટીમ પાસે હાલમાં ફર્ગ્યુસન જેવા ખેલાડીનું કોઈ રિપ્લેસમેન્ટ નથી. ટીમ અફઘાનિસ્તાનના અઝમતુલ્લાહ ઓમરઝાઈના રૂપમાં તેનું રિપ્લેસમેન્ટ કરી શકે છે. ટીમ પાસે વિજયકુમાર વિશાકનો પણ વિકલ્પ છે. કોલકાતા સામે ટીમે આ બેમાંથી જ કોઈ એકને પસંદ કરવો પડશે. ફર્ગ્યુસને ચાર મેચમાં પાંચ વિકેટ ઝડપી છે.
પંજાબ પ્રથમ ટાઈટલની તલાશમાં
પંજાબ એવી ટીમ છે જેણે અત્યાર સુધી એક પણ વખત IPLનો ખિતાબ નથી જીત્યો. આ ટીમ માત્ર એક જ વાર ફાઈનલ મેચ રમી છે અને તેમાં પણ તે કોલકાતા સામે હારી ગઈ હતી. ટીમ આ ફાઈનલ 2014માં રમી હતી. આ સિઝનમાં શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળ ટીમ શાનદાર ફોર્મમાં દેખાઈ રહી છે અને તેને ટાઈટલની દાવેદાર પણ માનવામાં આવી રહી છે.