IPL 2025: ધોની ફરી બનશે CSKનો કેપ્ટન? પૂર્વ ક્રિકેટરે આપી સલાહ, ફેન્સ લગાવી રહ્યા છે અટકળો
IPL 2025 : IPL 2025 ના ઓક્શન પહેલા, તમામ ફ્રેન્ચાઇઝીઓએ તેમની રિટેન્શન યાદી જાહેર કરી છે. હાલ આ રિટેન્શન પર અનેક ચર્ચાઓ થઈ રહી છે. મહેન્દ્ર સિંહ ધોનીને CSKએ 4 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. ધોનીના રિટેન્શન બાદ હવે પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે સીએસકેને સલાહ આપી છે કે ધોનીને ફરીથી કેપ્ટનશીપ સોંપવામાં આવે. જે બાદ સીએસકે અને ધોનીના ચાહકોમાં અનેક અટકળો ચાલી રહી છે.
અનકેપ્ડ પ્લેયર તરીકે રમશે ધોની
જણાવી દઈએ કે ધોનીને અનકેપ્ડ પ્લેયર કેટેગરીમાં યથાવત રાખવામાં આવ્યો છે. BCCI દ્વારા રિટેન્શન પહેલા આપવામાં આવેલા નિયમો મુજબ જો કોઈ ખેલાડી ભારતીય ટીમમાંથી પાંચ વર્ષ પહેલા નિવૃત્ત થઈ ગયો હોય તો તેને અનકેપ્ડ ગણવામાં આવશે. ધોની ઉપરાંત સીએસકેએ ઋતુરાજ ગાયકવાડ, મથીશા પથિરાના, શિવમ દુબે અને રવિન્દ્ર જાડેજાને પણ જાળવી રાખ્યા છે. IPL 2024ની શરૂઆત પહેલા ધોનીએ સીએસકેની કેપ્ટનશિપ છોડી દીધી હતી. તેણે ઋતુરાજને આ જવાબદારી સોંપી હતી.
સંજય માજરેકરે આપી સલાહ
ઋતુરાજની કેપ્ટનશીપમાં ટીમ પ્લે ઓફમાં પહોંચી શકી નહોતી. માટે ધોનીના રિટેન્શન પછી, ભૂતપૂર્વ ક્રિકેટર સંજય માંજરેકર ઈચ્છે છે કે ધોની ફરીથી સીએસકેનું નેતૃત્વ કરે. તેની કેપ્ટનશિપ ટુર્નામેન્ટને વધુ રસપ્રદ બનાવે છે. સંજયે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, ધોનીએ IPL 2025માં સીએસકેની કેપ્ટનશીપ કરવી જોઈએ. ગત સિઝનમાં તે રુતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપ હેઠળ રમ્યો હતો. તે જોવામાં બહુ મજા ન આવી. જો ધોની બેટિંગ ન કરે તો પણ તે કેપ્ટન અને વિકેટ કીપર તરીકે ટીમ પર વધુ અસર કરી શકે છે.
પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે શું કહ્યું?
ધોનીના રિટેન્શન પર પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે કહ્યું કે, સીએસકેએ જબરદસ્ત પ્રદર્શન કર્યું. તેમણે રિટેન્શનમાં 5-10 કરોડ બચાવી લીધા. હું વિચારું છું કે આપણે બધા ઈમોશનમાં ફસાઈ ગયા હતા, એટલા માટે આ નિયમ લવાયો છે. અમારી ઈચ્છા હતી કે ધોની હજુ એક સિઝન રમે. હું માનું છું કે સીએસકે સ્માર્ટ રમત રમ્યાં. તેઓ ઓછા પૈસા લઈ રહ્યાં છે, આનાથી સીએસકેને ઓક્શનમાં મોટા ખેલાડીઓને સાઇન કરવામાં મદદ મળશે.
પાછલી સીઝનમાં ઇજાગ્રસ્ત હતો ધોની
નોંધનીય છે કે, પાછલી સિઝનમાં ધોની ઘૂંટણની તકલીફ સમસ્યા સાથે રમ્યો હતો. આ કારણે તેને બેટિંગ ક્રમમાં ખૂબ જ નીચું રમવાનું પસંદ કર્યું હતું. જો કે તેમ છતાં સ્ટ્રાઈક રેટના મામલે છેલ્લી સિઝન ધોની માટે શ્રેષ્ઠ રહી હતી. ઘૂંટણની ઈજાને કારણે તેને દોડવામાં મુશ્કેલી પડી રહી હોવાથી ધોની ઘણો પાછળથી આવી માત્ર બાઉન્ડ્રી ફટકારી કરી રહ્યો હતો. IPL 2025 રિટેન્શન પહેલા ધોનીએ એક વાત કહી હતી કે, તે વધુ સિઝન રમવા ઈચ્છે છે. જેમ આપણે બાળપણમાં દિવસ રાત રમવાની ઈચ્છા રાખતા હતા, આમ હું એવું જ કઈક ઈચ્છું છું. જ્યાં સુધી રમી શકીશ ત્યાં સુધી રમવાની ઈચ્છા છે.