IPLમાં ધોનીએ છ વર્ષ બાદ જીત્યો આ ઍવોર્ડ, પછી કહ્યું- સમજાતું નથી કે મારું સન્માન કેમ કર્યું!
Image Source: Twitter
MS Dhoni: લખનઉ સુપર જાયન્ટ્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સની જીતમાં મહેન્દ્ર સિંહ ધોનીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ધોનીએ 11 બોલમાં 26 રન બનાવ્યા હતા. આ ઈનિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો. ધોની આ એવોર્ડ મેળવનાર સૌથી મોટી ઉંમરનો IPL ખેલાડી બની ગયો છે. પરંતુ 6 વર્ષ પછી મેન ઓફ ધ મેચ બનેલા ધોનીએ આ એવોર્ડ માટે પોતાના સિલેક્શન પર સવાલ ઉઠાવ્યા છે.
ધોનીને છેલ્લે 2019માં આ એવોર્ડ મળ્યો હતો. પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં ધોનીએ કહ્યું કે, 'બીજા ઘણા એવા પ્લેયર હતા જેમને આ એવોર્ડ મળવો જોઈતો હતો. મને સમજાતું નથી કે મને આ એવોર્ડથી કેમ સન્માનિત કરવામાં આવી રહ્યો છે. મને લાગે છે કે, નૂર અહમદે સારી બોલિંગ કરી.'
ધોનીએ આગળ કહ્યું કે, 'નવા બોલથી બોલિંગ કરવી અને વચ્ચેની ઓવરોમાં જ્યારે નૂર અને જદ્દુએ સાથે ચાર-પાંચ ઓવર ફેંકી. મને લાગે છે કે આ બે તકો એવી હતી જ્યારે અમે ખૂબ સારું પ્રદર્શન કર્યું.'
ધોનીએ ખુશી વ્યક્ત કરી
ધોનીએ સતત પાંચ મોચોની હારનો સિલસિલો તૂટવા પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, 'મેચ જીતવું સારું છે, કારણ કે, જ્યારે તમે આ પ્રકારની ટૂર્નામેન્ટ રમો છો ત્યારે મેચ જીતવા માગો છો. દુર્ભાગ્યથી છેલ્લી કેટલીક મેચોના પરિણામ અમારા પક્ષમાં નહોતા. તેના કારણ ભલે ગમે તે રહ્યા હોય. તેના અનેક કારણો હોઈ શકે છે. તેથી જીત હાંસલ કરવી ખબ સારું છે. જીતથી આખી ટીમને આત્મવિશ્વાસ મળે છે. અને તેનાથી આપણને એ ક્ષેત્રમાં સુધારો કરવામાં મદદ મળે છે જ્યાં આપણે સુધારો કરવા માગીએ છીએ.'
પ્લેયર ઓફ ધ મેચ જીતનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી
એમએસ ધોની IPLના ઈતિહાસમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મેળવનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે. તેણે પ્રવીણ તાંબેનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તાંબેએ 43 વર્ષ અને 60 દિવસની ઉંમરે આ એવોર્ડ જીત્યો હતો. જ્યારે ધોનીએ 43 વર્ષ અને 281 દિવસની ઉંમરે આ એવોર્ડ જીત્યો છે. આ ઉપરાંત ધોની IPLમાં વિકેટકીપર તરીકે 200 ખેલાડીઓને આઉટ કરનાર પ્રથમ ખેલાડી પણ બની ગયો છે.