IPL 2025ની હરાજીમાં ધૂમ મચાવશે આ 3 વિકેટકીપર્સ, કરોડોમાં બોલી લગાવાશે, 2 તો કેપ્ટન પણ રહ્યાં છે
IPL 2025 : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ના મેગા ઓક્શન પહેલા 31 ઓક્ટોબરે તમામ ટીમોએ ખેલાડીઓની રિટેન્શન યાદી જાહેર કરી હતી. IPLની 10 ટીમો તરફથી કુલ 46 ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા છે. જોકે, કેટલીક ટીમોએ તેમના સ્ટાર ખેલાડીઓને રીલીઝ કરી સૌ કોઇને ચોંકાવી દીધા છે. આ સ્ટાર ખેલાડીઓમાં ત્રણ વિકેટકિપર્સને પણ રીલીઝ કરવામાં આવ્યા છે જેમના પર હવે તમામ ટીમોની નજર છે. આ ત્રણ સ્ટાર વિકેટકિપર્સમાં ઋષભ પંત, કેએલ રાહુલ અને ઇશાન કિશન સામેલ છે.
ઓક્શનમાં ધૂમ મચાવશે
ઋષભ પંત, કેએલ રાહુલ અને ઈશાન કિશન IPL 2025ના મેગા ઓક્શનમાં ધૂમ મચાવશે. આ ત્રણેય ખેલાડીઓને તેમની ટીમોએ રીલીઝ કર્યા છે. પંતે IPL 2024માં દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કર્યું હતું, જ્યારે KL રાહુલે લખનૌ સુપર જાયન્ટ્સનું નેતૃત્વ કર્યું હતું. જ્યારે ઈશાન કિશન મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો. હવે આ ત્રણેય ખેલાડીઓ પર IPL 2025ની હરાજીમાં કરોડોમાં બોલી લાગશે તેવી શક્યતાઓ દેખાઇ રહી છે.
પંત-રાહુલ-ઈશાનની સૌથી મોટી વાત એ છે કે ત્રણેય ખેલાડીઓ વિકેટકીપર બેટ્સમેન છે. આ ઉપરાંત ઋષભ પંત અને કેએલ રાહુલને આઈપીએલમાં કેપ્ટનશિપનો અનુભવ પણ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ જેવી ટીમો કેપ્ટનની શોધમાં છે, તેથી પંત અને રાહુલ માટે ઓક્શનમાં કરોડોની બોલી લાગી શકે છે. ઈશાન કિશન પણ મેગા ઓક્શનમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. કેટલીક ટીમોને IPL 2025 માટે ઓપનિંગ બેટરની જરૂર છે, જેમ કે લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ. આવી સ્થિતિમાં ઈશાનને ખરીદવા માટે ટીમો વચ્ચે જોરદાર લડાઈ થઈ શકે છે.
પંજાબ કિંગ્સના પર્સમાં સૌથી વધુ રકમ
તમને જણાવી દઈએ કે IPL 2025ની હરાજીમાં પંજાબ કિંગ્સ પાસે સૌથી વધુ 110.5 કરોડ રૂપિયા હશે. પંજાબ કિંગ્સે હરાજી પહેલા માત્ર બે ખેલાડીઓ (શશાંક સિંહ અને પ્રભસિમરન સિંહ)ને રિટેન કર્યા છે. બીજી તરફ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પર્સમાં 83 કરોડ રૂપિયા બાકી છે, જે બીજા નંબરે છે. હરાજીમાં રાજસ્થાન રોયલ્સ પાસે સૌથી ઓછી રકમ 41 કરોડ રૂપિયા હશે.