IPL 2025 LSG vs CSK : ધોનીની વિસ્ફોટક બેટિંગ, રોમાંચક મેચમાં ચેન્નાઈએ લખનઉને પાંચ વિકેટે હરાવ્યું
IPL 2025 Lucknow Super Giants vs Chennai Super Kings : આઈપીએલ-2025ની સિઝનમાં કેપ્ટન એમ.એસ.ધોનીની આગેવાનીમાં રમી રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સનો સિઝનમાં બીજી વખત વિજય થયો છે. આજની મેચમાં ચેન્નાઈએ લખનઉ સુપર જાયન્ટ્સની ટીમને 5 વિકેટે પરાજય આપ્યો છે. લખનઉએ પ્રથમ બેટિંગ કરીને નિર્ધારીત 20 ઓવરમાં 7 વિકેટે 166 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં ચેન્નાઈની ટીમે 19.3 ઓવરમાં 5 વિકેટે 168 રન બનાવી જીત મેળવી છે. સામાન્ય સ્કોર હોવા છતાં મેચ રોમાંચક બની ગઈ હતી અને ચેન્નાઈની ટીમે ભારે સંઘર્ષ કરતી જોવા મળી હતી. સૌથી મહત્ત્વની વાત એ છે કે, લખનઉના ખેલાડી ઋષભ પંતે આ સિઝનમાં પ્રથમવાર દમદાર બેટીંગ કરીને અડધી સદી ફટકારી હતી, જોકે તેની મહેનત એડે ગઈ છે.
લખનઉના પંતની દમદાર બેટિંગ
લખનઉ તરફથી સૌથી વધુ ઋષભ પંતે 49 બોલમાં ચાર ફોર અને ચાર સિક્સ સાથે 63 રન નોંધાવ્યા હતા. જ્યારે મિશેલ માર્શે 33 રન, આયુષ બદોનીએ 22 રન, અબ્દુલ સમદે 20 રન, ઓપનિંગમાં આવેલા એડમ માર્કરામે 6 રન, નિકોલસ પૂરને 8 રન, શાર્દુલ ઠાકુરે 6 રન અને ડેવિડ મિલરે અણનમ 0 રન નોંધાવ્યા હતા.
જાડેજા-પથિરાણાની બે-બે વિકેટ
ચેન્નાઈ તરફથી સૌથી વધુ રવિન્દ્ર જાડેજા અને મથીશા પથિરાણાએ બે-બે વિકેટ ખેરવી હતી. જ્યારે ખલિલ અહેમદ અને અંશુલ કંબોજે એક-એક વિકેટ ઝડપી હતી. ચેન્નાઈની ટીમનો જેમી ઓવરટ સૌથી વધુ ખર્ચાડ બોલર સાબિત થયો હતો. તેણે એક પણ વિકેટ ઝડપી ન હતી અને બે ઓવરમાં 24 રન આપી બેઠો હતો, જ્યારે પથિરાણા ચાર ઓવરમાં 45 રન આપી બેઠો હતો.
ચેન્નાઈની ટીમનો સ્કોર
ચેન્નાઈ તરફથી રચીન રવિન્દ્રએ 37 રન, શેખ રશીદે 27 રન, રાહુલ ત્રિપાઠીએ 9 રન, રવિન્દ્ર જાડેજાએ 7 રન, વિજય શંકરે 9 રન, શિવમ દુબેએ 37 બોલમાં ત્રણ ફોર અને બે સિક્સ સાથે અણનમ 43 રન નોંધાવ્યા હતા, જ્યારે એમ.એસ.ધોનીએ દમદાર બેટિંગ કરીને 11 બોલમાં ચાર ફોર અને એક સિક્સ સાથે અણનમ 26 રન નોંધાવ્યા હતા.
રવિ બિશ્નોઈની બે વિકેટ
લખનઉના બોલર રવિ બિશ્નોઈએ બે વિકેટ ઝડપી હતી. જ્યારે દિવ્યેશ રાઠી, અવેશ ખાન અને એડન માર્કરામે એક-એક વિકેટ ખેરવી હતી.