આજથી IPLનો કાર્નિવલ, 10 ટીમ વચ્ચે રોમાંચક જંગ જામશે, બે મહિના લીગનો ફિવર જોવા મળશે
આઈપીએલમાં 74 મેચ રમાશે જેમાં 26 મેના રોજ નવી ચેમ્પિયન ટીમ નક્કી થશે
લોકસભા 2024ની ચૂંટણીના કારણે IPLનું 17 દિવસનું જ શિડ્યુલ બહાર પાડવામાં આવ્યું
IPL 2024: ભારતીય ક્રિકેટ બોર્ડની હાઈપ્રોફાઈલ ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી આવૃત્તિનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે IPL ટ્રોફી જીતવા માટે કુલ 10 ટીમો એકબીજા સામે હરીફાઈ કરતી જોવા મળશે. આશરે બે મહિના સુધી ચાલનારા T-20ના ક્રિકેટ કાર્નિવલ દરમિયાન મેદાન પર દિલધડક મુકાબલા અને શ્વાસ અધ્ધર કરી દે તેવો રોમાંચ ક્રિક્રેટ ચાહકોને માણવા મળશે. અગાઉના વર્ષોની જેમ 10 ટીમ વચ્ચેના 74 મુકાબલાના અંતે આખરે 29મી મેના રોજ રમાનારી ફાઈનલ બાદ આઈપીએલની નવી ચેમ્પિયન ટીમ જોવા મળશે.
17 દિવસનું શિડ્યુલ બહાર પાડવામાં આવ્યું
આ વર્ષે દેશમાં લોકસભા 2024ની ચૂંટણીના કારણે IPLનું 17 દિવસનું જ શિડ્યુલ બહાર પાડવામાં આવ્યું હતું, જેના મુજબ 7 એપ્રિલ સુધી જ મેચ રમાશે. બીસીસીઆઈ ટૂંક સમયમાં બાકીના કાર્યક્રમની જાહેરાત કરશે. આ બીજી વખત હશે જ્યારે ભારતમાં લોકસભા ચૂંટણીની સાથે IPLનું આયોજન કરવામાં આવશે. અગાઉ 2009માં આઈપીએલ અને લોકસભાની ચૂંટણી સાથે હોવાથી આઈપીએલને દક્ષિણ આફ્રિકામાં રમાડાવામાં આવ્યો હતો.
ઉદ્ઘાટન સમારોહમાં રંગારંગ કાર્યક્રમ યોજાશે
આજે ઉદ્ઘાટન મેચ પહેલા એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમ થશે, જેમાં બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, સંગીતકાર એઆર રહેમાન અને ગાયક સોનુ નિગમ પરફોર્મ કરશે. આજે પહેલી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ વખતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈની સાથે ગુજરાત, મુંબઈ, બેંગ્લોર, લખનઉ અને દિલ્હીની દાવેદારી મજબૂત છે તો કોલકાતા, પંજાબ, રાજસ્થાન અને હૈદરાબાદને અણધારી સફળતાની આશા છે ત્યારે આઈપીએલની ફેન્ચાઈઝીઓની દાવેદારી પર એક નજર...
ચેન્નઈ સુપર કિંગ્સ
• બેસ્ટ પર્ફોર્મન્સ : પાંચ વખત ચેમ્પિયન,
• કેપ્ટન : ઋતુરાજ ગાયકવાડ,
આઇપીએલના 19 વર્ષના ઈતિહાસમાં આ ટીમ 10 ફાઈનલ રમી છે. પાંચ વખત ચેમ્પિયન અને પાંચ વખત રનરઅપ રહી ચૂકેલી ચેન્નઈનું સુકાન ગાયકવાડને સોંપાયું છે. જોકે, ધોની જેવા કેપ્ટન કૂલની હાજરીથી ટીમનો આત્મવિશ્વાસ બુલંદ છે. ઓલરાઉન્ડર્સની ભરમાર અને ગમે તેવી પરિસ્થિતિમાં વળતો પ્રહાર કરવાની ક્ષમતાં ચેન્નઈની દાવેદારીને મજબૂત બનાવે છે.
• સ્ટાર ટુ વોચ : ધોની, રહાણે, જાડેજા, મોઈન અલી, રાચિન, સાન્ટનર, દીપક ચાહર, દેશપાંડે, શાર્દૂલ ઠાકુર.
ગુજરાત ટાઈટન્સ
• બેસ્ટ પર્ફોર્મન્સ : એક વખત ચેમ્પિયન,
• કેપ્ટન શુભમન ગીલ.
આઇપીએલમા પ્રવેશના બે જ વર્ષમાં ગુજરાતની ટીમ બે ફાઈનલ રમી ચૂકી છે. હાર્દિકની ગેરહાજરી ટીમને સાલશે, પણ યુવા કેપ્ટન ગીલની સાથે વિલિયમસન, મીલર અને રાશિદ ખાન જેવા મેચ વિનર્સ બાજી પલ્ટી શકે છે. ગુજરાત ટાઈટેન્સની ટીમ પણ અસાધારણ સંઘર્ષે અને છેક છેલ્લે સુધી લડી લેવાના મિજાજને કારણે અન્ય ટીમો માટે પડકારરૂપ છે.
• સ્ટાર ટુ વોચ : મીલર, સહા, સાઈ સુદર્શન, વિલિયમસન, વેડ, તેવટિયા, સાઈ કિશોર, નૂર અહમદ, મોહિત શર્મા, ઉમેશ યાદવ.
મુંબઈ ઈન્ડિયન્સ
• બેસ્ટ પર્ફોર્મન્સ : પાંચ વખત ચેમ્પિયન,
• કેપ્ટન : હાર્દિક પંડયા,
છ આઇપીએલ ફાઈનલ રમી ચૂકેલી મુંબઈની ટીમમાં કેપ્ટન્સીના પરિવર્તન બાદ કેવો ફેરફાર આવે છે, તે જોવા ચાહકો ઉત્સુક છે. હાર્દિકની કેપ્ટન્સી હેઠળની ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું અસરકારક કોમ્બિનેશન છે. ગત સિઝનમાં ટીમની નિષ્ફળતામાં બોલરોનો કંગાળ દેખાવ જવાબદાર રહ્યો હતો, જેમાં સુધારાની આશા છે.
• સ્ટાર ટુ વોચ : રોહિત, કિશન, ટીમ ડેવિડુ, સૂર્યકુમાર, બાવિસ, નાબી, તિલક વર્મા, બુમરાહ, કોઈત્ઝી, માધવાલ, અર્જુન તેંડુલકર.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
• બેસ્ટ પર્ફોર્મન્સ : ત્રણ વખત રનરઅપ,
• કેપ્ટનઃ ડુ પ્લેસીસ,
આઈપીએલના 16 વર્ષમાં આરસીબીની ટીમ ત્રણ વખત ફાઈનલમાં પ્રવેશી છે, છતાં તેઓ ટાઈટલથી વંચિત રહ્યા હતા. રોહિત, ડુ પ્લેસીસ અને મેક્સવેલ જેવા ધુરંધર બેટર્સ ધરાવતી આરસીબીની ટીમ માટે બોલિંગ કમજોર કડી સાબિત થતી હોય છે. વ્યક્તિગત પર્ફોર્મન્સમાં અવ્વલ રહેતી ફ્રેન્ચાઝીને ટીમવર્કમાં ફટકો પડતો હોય છે. આ વખતે પણ તેમની પાસે સ્થિનર તરીકે કોઈ મોટું નામ નથી.
• સ્ટાર ટુ વોચ : કોહલી, સિરાજ, ડી. કાર્તિક, ગ્રીન, મેક્સવેલ, પ્રભુદેસાઈ, ફર્ગ્યુસન, એ. જોસેફ, કર્ણ શર્મા, ટોમ કરન.
લખનઉ સુપરજાયન્ટ્સ
• બેસ્ટ પર્ફોર્મન્સ : બે વખત પ્લેઓફમાં,
• કેપ્ટન: કે.એલ. રાહુલ,
બે વર્ષથી આઈપીએલમાં પ્રવેશેલી લખનઉની ટીમ બે વખત પ્લે ઓફમા રમી છે. લખનઉની ટીમ માટે સાતત્ય સૌથી મોટી સમસ્યા રહી છે. ઘણી વખત બેટ્સમેનોનો ફ્લોપ શૉ ટીમને પરેશાન કરે છે. બોલિંગ અને ફિલ્ડિંગમાં પણ મોટાપાયે સુધારાની અપેક્ષા ટીમ રાખી રહી છે. મજબુત બેટિંગ લાઈનઅપની સાથે બોલરોમાં પણ આ વખતે નવું જોશ જોવા મળી રહ્યું છે.
• સ્ટાર ટુ વોચ : ડી કૉક, પૂરણ, બાડોની, હૂડા, કૂણાલ પંડ્યા, સ્ટોઈનીસ, માયેર્સ, વિલી, શેમાર જોસેફ, નાવીન ઉલ હક્ક, બિશ્નોઈ, માવી અને અમિત મિશ્રા.
દિલ્હી કેપિટલ્સ
• બેસ્ટ પર્ફોર્મન્સ : એક વખત રનરઅપ,
• કેપ્ટન : રિષભ પંત,
ભયાનક કાર અકસ્માતમાંથી સાજા થયા બાદ પુનરાગમન કરી રહેલા પંતની આગેવાની હેઠળની ટીમ ઈતિહાસ રચવા તૈયાર છે. દિલ્હીની ટીમ ગત વર્ષે બેટસમેનોના કંગાળ દેખાવને કારણે પરેશાન રહી હતી. દિલ્હીને ખાસ કરીને મીડલ ઓર્ડરની સાથે બોલરોના નિર્ણાયક દેખાવની આશા છે. જે તેમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
• સ્ટાર ટુ વોચ : શાઈ હોપ, શૉ, સ્ટબ્સ, વોર્નર, અક્ષર પટેલ, મિચેલ માર્શ, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, નોર્વે, ઝાય રિચાર્ડસન, ઈશાંત.
કોલકાતા નાઈટરાઈડર્સ
• બેસ્ટ પર્ફોર્મન્સ : બે વખત ચેમ્પિયન,
• કેપ્ટનઃ શ્રેયસ ઐયર,
બે વખત ચેમ્પિયન બની ચૂકેલી કોલકાતાની ટીમને નવ વર્ષના ટાઈટલ દુકાળનો અંત આણવાની આશા છે. છેલ્લી બે સિઝનથી છેક 7માં ક્રમે રહેતી કોલકાતાની ટીમને ખાસ કરીને બોલરોના દેખાવમાં સુધારાની વધુ જરુર છે. ટીમ વર્કનો અભાવ અને સાતત્યની સમસ્યામાંથી ગંભીર-મૈયરની જોડી ટીમને કેવી રીતે બહાર લાવે છે, તે જોવાનું રહેશે.
• સ્ટાર ટુ વોય : ગુરબાઝ, એસ. ભરત, નિતિશ રાણા, સોલ્ટ, શેફર્ડ, રિન્કુ સિંધ, વૈકટેશ ઐયર, નારાયણ, રસેલ, મુજીબ, ચામીરા, સ્ટાર્ક, ચક્રવર્થી.
પંજાબ કિંગ્સ
• બેસ્ટ પર્ફોર્મન્સ : એક વખત રનરઅપ,
• કેપ્ટન: શિખર ધવન,
પંજાબને 2014 પછી પહેલીવાર આઈપીએલની ફાઈનલમાં પ્રવેશવાની આશા છે. કિંગ્સ ઈલેવન પંજાબમાંથી પંજાબ કિંગ્સ થયા બાદ પણ ટીમના પર્ફોર્મન્સમાં ખાસ સુધારો થયો નથી. ટીમમાં પાવર હિટર્સનો અભાવ અને મોટા સ્કોરને જાળવી રાખવામાં બોલરોની નિષ્ફળતાએ બે મુખ્ય સમસ્યા જોવા મળી છે. ટીમ મોટાભાગે વ્યક્તિગત દેખાવ પર વિશેષ આધારિત રાખી રહી છે.
• સ્ટાર ટુ વોચ : બેરસ્ટો રોસોયુ, સેમ કરન, લિવિંગસ્ટન, વોક્સ, રઝા, અર્ષદીપ, રાહુલ ચાહર, એલીસ, હર્ષલ પટેલ અને રબાડા.
રાજસ્થાન રોયલ્સ
• બેસ્ટ પર્ફોર્મન્સ : એક વખત ચેમ્પિયન,
• કેપ્ટન: સંજુ સેમસન,
પહેલી સિઝનમાં ચેમ્પિયન બનેલા રાજસ્થાનનો છેલ્લા ૧૫ વર્ષનો ટ્રોફીનો ઈંતજાર આ સિઝનમાં પુરો થાય તેવી આશા છે. સેમસનના નેતૃત્વ હેઠળની ટીમ સંતુલીત છે અને ધરખમ બેટ્સમેનો ખાસ કરીને ઘાતક સિપનરોની હાજરી હરિફ બેટ્સમેનો માટે જોખમી છે. જોકે, ઓસ્ટ્રેલિયન ચિનર ઝામ્પા આખી સિઝનમાં નહીં રમે.
• સ્ટાર ટુ વોચ: બટલર, હેટમાયર, જયસ્વાલ, પરાગ, પોવેલ, આર. અશ્વિન, અવેશ ખાન, બોલ્ટ, બર્ગર, ચહલ, સૈની.
સનરાઈઝર્સ હૈદરાબાદ
• કેપ્ટન: પેટ કમિન્સ,
વર્લ્ડ કપ વિજેતા ઓસ્ટ્રેલિયન કેપ્ટન કમિન્સ હૈદરાબાદની ફ્રેન્ચાઈઝી માટે લકી સાબિત થાય છે કે નહીં તેના પર ચાહકોની નજર છે. છેલ્લી ત્રણ સિઝનથી તળિયાની ટીમોમાં સામેલ રહેતા હૈદરાબાદનું પહેલું લક્ષ્ય તો પ્લે ઓફ છે. મજબુત બેટિંગ હેદરાબાદનું જમા પાસું રહ્યું છે. જોકે અત્યાર સુધી જોવા મળતી બોલિંગની નબળાઈને દૂર કરવાનો પ્રયાસ ફ્રેન્ચાઈઝીએ કર્યો છે, જે કેટલો અસરકારક રહેશે તે આ સિઝન કહેશે.
• સ્ટાર ટુ વોચ : હેડ, ક્લાસેન, માર્કરામ, ત્રિપાઠી, હસારંગા, જાન્સેન, ફિલિપ્સ, સુંદર, શાહબાઝ, કમિન્સ, ફારૂકી, બી.કુમાર, ટી. નટરાજન, ઉમરાન મલિક.
પ્રત્યેક ટીમ પોતાના ગ્રૂપની ટીમો સાથે એક-એક અને અન્ય ગ્રૂપની ટીમો સાથે બે-બે મેચ રમશે
આઈપીએલના અનોખા ફોર્મેટ અંતર્ગત કુલ 10 ટીમોને તેમના આઈપીએલન ઈતિહાસના અત્યાર સુધીના પર્ફોર્મન્સને સહારે બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે પ્રત્યેક ટીમને આખી સિઝન દરમિયાન કુલ 14 લીગ મેચ રમવા મળશે. પ્રત્યેક ટીમને તેમના ગ્રૂપમાં સામેલ અન્ય ચાર ટીમો સામે એક-એક મેચ રમવાની રહેશે જ્યારે અન્ય ગ્રૂપમાં સામેલ પાંચ ટીમોની સાથે બે-બે મેચ રમવી પડશે. આમ એક ટીમની 14 મેચ પુરી થશે. ત્યાર બાદ ટોચની ચાર ટીમ નોકઆઉટમાં પ્રવેશશે. પ્રથમ અને બીજા ક્રમની ટીમની મેચની વિજેતા ટીમ ફાઈનલમાં પ્રવેશશે, જ્યા હારનારી ટીમ ક્વોલિફાયર-ટુમાં જશે. ત્રીજા અને ચોથા ક્રમની ટીમ વચ્ચે એલિમિનેટર રમાશે, જેમાં હારનાર ટીમ બહાર થશે અને જીતનારી ટીમ ક્વોલિફાયર-ટુ રમશે. ક્વોલિફાયર-ટુ જીતનારી ટીમ ફાઈનલમાં પ્રવેશશે.
ઈનામી રકમમાં ફેરફારની શક્યતા : ચેમ્પિયન ટીમને રૂા. 20 કરોડથી વધુ પણ મળી શકે
આઇપીએલ-2024ની ઈનામી રકમ હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. જોકે ગત સિઝનમાં ચેમ્પિયન બનેલી ટીમને રૂપિયા 20 કરોડ મળ્યા હતા. ટૂંકમાં આ સિઝનમાં ચેમ્પિયન બનનારી ટીમને ઓછામાં ઓછા રૂપિયા 20 કરોડ તો મળશે જ તે નક્કી લાગી રહ્યું છે. ગત સિઝનમાં પણ ચેમ્પિયન ટીમની ઈનામી રકમમાં સુધારો કર્યો નહતો. રનર-અપ ટીમને રૂપિયા 13 કરોડ આપવામાં આવ્યા હતા.