IPL 2024 : આવતીકાલે બંધ થશે ટ્રેડ વિન્ડો, આ ખેલાડીઓની થઇ અદલાબદલી, હાર્દિકને સોંપાશે મુંબઈની કેપ્ટનશીપ!
ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા IPL 2023 બાદ મુંબઈ ઇન્ડિયન્સ સાથે સંપર્કમાં હતો
Image:Social Media |
IPL 2024 Trade Window : આવતીકાલે IPL 2024 માટે તમામ 10 ટીમોના રિટેન ખેલાડીઓની લીસ્ટ જાહેર થવાની છે. આ સાથે જ ટ્રેડ વિન્ડો પણ બંધ થઇ જશે. આવી સ્થિતિમાં આવનાર 24 કલાકમાં કેટલાંક મોટા ટ્રેડ અને ટ્રાન્સફર જોવા મળી શકે છે. અત્યાર સુધી માત્ર 3 ખેલાડીઓ ટ્રાન્સફર થયા છે ચોથું નામ ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાનું ચાલી રહ્યું છે. હાર્દિકના નામ અંગે અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
આ ખેલાડીઓનો થઇ ચુક્યો છે ટ્રેડ
રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે 22 નવેમ્બરના રોજ એક ટ્રેડ થયો હતો. જેમાં રાજસ્થાન રોયલ્સે તેના બેટ્સમેન દેવદત્ત પડીકલ (7.75 કરોડ રૂપિયા) અને લખનઉ સુપર જાયન્ટ્સે તેના બોલર આવેશ ખાન (10 કરોડ રૂપિયા)ની અદલા-બદલી કરી હતી. અગાઉ વધુ એક ટ્રાન્સફર થયું હતું. રોમારિઓ શેફર્ડ 3 નવેમ્બરના રોજ લખનઉ સુપર જાયન્ટ્સની ટીમમાંથી મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં ચાલ્યો ગયો હતો.
હાર્દિક પંડ્યા બનશે મુંબઈ ઇન્ડિયન્સનો નવો કેપ્ટન!
ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા IPL 2023 બાદ મુંબઈ ઇન્ડિયન્સના સંપર્કમાં હતો. ODI World Cup 2023 પહેલા જ તેના અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે વાતચીત થઇ ગઈ હતી. હવે માત્ર ઓફિશિયલ ફોર્માલીટી જ બાકી છે. હવે હાર્દિકનું મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં પરત જવું નક્કી છે. હવે પ્રશ્ન એ છે કે શું મુંબઈ ઇન્ડિયન્સનું નેતૃત્વ રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યા કરશે કે પછી મુંબઈ ઇન્ડિયન્સે રોહિતને રિલીઝ કરવાનું વિચાર્યું છે ? એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈની ટીમ રોહિતના બદલે ગુજરાતની ટીમથી હાર્દિકનું ટ્રાન્સફર કરી રહી છે.
આ ખેલાડીઓને ફ્રેન્ચાઇઝી કરી શકે છે રિલીઝ
આવતીકાલે રીટેન્શન લીસ્ટ જાહેર થયા બાદ રિલીઝ થયેલા ખેલાડીઓ અને નવા રજિસ્ટર્ડ ખેલાડીઓની હરાજી માટેની તૈયારીઓ શરૂ થઈ જશે. એવું માનવામાં આવે છે કે ફ્રેન્ચાઇઝી ઘણા મોંઘા વિદેશી ખેલાડીઓને રિલીઝ કરી શકે છે. જેમાં બેન સ્ટોક્સ, સેમ કરન, જોફ્રા આર્ચર, કેમેરન ગ્રીન અને હેરી બ્રુક જેવા ખેલાડીઓનું નામ સામેલ છે. IPL 2024 માટે 19 ડિસેમ્બરે દુબઈમાં હરાજી યોજાવાની છે.