IPL 2024: 84 રન ફટકાર્યા બાદ ઈમોશનલ થઈ ગયો સ્ટાર ખેલાડી, કહ્યું- 'હું ત્રણ દિવસથી પથારીમાં હતો...'
IPL 2024, DC vs RR: દિલ્હી કેપિટલ્સ સામે રાજસ્થાન રોયલ્સની જીતમાં રિયાન પરાગે મહત્વની ભૂમિકા ભજવી હતી. 84 રન ફટકાર્યા બાદ રિયાન પરાગ કેમેરા સામે ઈમોશનલ થઈ ગયો હતો. રિયાન પરાગની 6 છગ્ગા અને 7 ચોગ્ગા સાથેની 45 બોલમાં 84 રનની અણનમ ઈનિંગ રમી હતી. રિયાન પરાગની આ વિસ્ફોટક ઈનિંગના દમ પર રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સ સામેની IPLની ટી-20 મેચમાં 12 રનથી વિજય મેળવ્યો હતો. રિયાન પરાગને તેની આ દમદાર ઈનિંગ માટે 'મેન ઓફ ધ મેચ' પસંદ કરવામાં આવ્યો હતો.
રિયાન પરાગે મેચ બાદ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં કહ્યું કે, તેને હંમેશા પોતાની ક્ષમતા પર વિશ્વાસ રહ્યો છે. રિયાન પરાગે 45 બોલમાં 84 રનની અણનમ ઈનિંગ રમીને ટીમને યાદગાર જીત અપાવી હતી. IPLમાં આ તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. 'મેન ઓફ ધ મેચ' રિયાન પરાગે કહ્યું કે, 'હું મારી ભાવનાઓને કાબૂમાં રાખી રહ્યો છું. મારી માતા પણ અહીં છે. મેં છેલ્લા 3-4 વર્ષથી ઘણો સંઘર્ષ કર્યો છે અને તેમણે મારો સંઘર્ષ જોયો છે. તેઓ ખાસ છે. આ દરમિયાન રિયાન પરાગ એકદમ ઈમોશનલ થઈ ગયા હતા.
કેમેરા સામે થઈ ગયો ઈમોશનલ
રિયાન પરાગે કહ્યું કે, હું છેલ્લા ત્રણ દિવસથી પથારીમાં હતો, સતત પેન કિલર લઈ રહ્યો હતો પરંતુ આજે મેં મારી ટીમ માટે યોગદાન આપ્યું. હું આ વાતથી ખૂબ જ ખુશ છું. રિયાન પરાગે કહ્યું કે, ઘરેલૂં મેચોમાં સારું પ્રદર્શન કરવાથી મારો આત્મવિશ્વાસ વધ્યો છે. રિયાન પરાગે આગળ કહ્યું કે, હું જાણું છું કે, મારી ક્ષમતા કેટલી છે અને ભલે જેવું પણ પ્રદર્શન હોય મને મારી ક્ષમતા પર ક્યારેય શંકા નથી ગઈ. ઘરેલૂં મેચોમાં મેં ઘણા રન બનાવ્યા અને તેની અસર અહીં જોવા મળી.
ઘરેલૂં ક્રિકેટ રમવાથી ઘણી મદદ મળી
આસામના આ 22 વર્ષીય ખેલાડીએ કહ્યું કે, અમે આ અંગે વાત કરી હતી કે પ્રથમ ચાર બેટ્સમેનમાંથી કોઈ એકને વીસમી ઓવર સુધી રમવું પડશે અને આ એક એવું પાસું છે જેના પર અમે લાંબા સમયથી ચર્ચા કરી રહ્યા છીએ. છેલ્લી મેચમાં સંજુ ભઆઈએ આ જવાબદારી નિભાવી હતી અને આ મેચમાં મારે આ કામ કરવાનું હતું. રિયાન પરાગ છેલ્લી IPL સિઝનમાં ફિનિશર તરીકે રમ્યો હતો પરંતુ આ વખતે ટીમ મેનેજમેન્ટે તેને ચોથા નંબર પર તક આપવાનો નિર્ણય કર્યો હતો. રિયાન પરાગે દેવધર ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટી-20માં ઘણા રન બનાવ્યા હતા. રિયાન પરાગે પોતાનું આ જ ફોર્મ IPLમાં પણ ચાલુ રાખ્યું. રિયાન પરાગે કહ્યું કે ઘરેલૂં ક્રિકેટ રમવાથી તેને ઘણી મદદ મળી છે.