મુંબઈ ઈન્ડિયન્સ છેલ્લી ચારમાંથી ત્રણ મેચ જીતી ફોર્મમાં, આજે પોઈન્ટ ટેબલમાં નંબર વન રાજસ્થાન સામે ટકરાશે
RR vs MI: નાલેશીજનક શરૂઆત બાદ મુંબઈ ઈન્ડિયન્સ હવે વિજયી ટ્રેક પર આવી રહ્યું હોય તેમ લાગે છે. જે આઈપીએલના બીજા હાફમાં તેઓ વધુ મેચો જીતે તો તેઓને હજુ પણ પ્લે ઓફની રેસમાં આવવાની તક છે.
પોઈન્ટ ટેબલમાં મુંબઈ છઠ્ઠા ક્રમે
મુંબઈ ઈન્ડિયન્સે છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સને પરાજય આપ્યો હતો. હવે આવતીકાલે તેઓ મજબુત અને પોઈન્ટ ટેબલ પરની ટોપ ટીમ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. મેચનો પ્રારંભ સાંજે 7.30 થી થશે.
મુંબઈ ઈન્ડિયન્સે છેલ્લી ચારમાંથી ત્રણ મેચમાં વિજય મેળવ્યો છે. અગાઉ તળિયે હતું પણ હવે પોઈન્ટટેબલમાં મુંબઈ છઠ્ઠા ક્રમે આવી ગયું છે. જ્યારે 12 પોઈન્ટ સાથે રાજસ્થાન રોયલ્સ ટોપ પર છે.
બુમરાહ પર જ આધાર
છેલ્લી મેચમાં મુંબઈ સામે પંજાબે 14 રનમાં જ ચાર વિકેટ ગુમાવી દીધી હતી તે પછી શશાંક સિંઘ અને આશુતોષ શર્માએ આક્રમણ કરતા એક સ્થિતિ એ આવી ગઈ હતી કે મુંબઈ હારી પણ જાય.
આખરે મુંબઈ નવ રનથી જીતવામાં સફળ થયું હતું. આના પરથી મુંબઈએ આત્મમંથન કરવાનું છે કે બુમરાહ વગર તેઓના વિજય શક્ય ન બન્યા હોત. તેણે પંજાબની ત્રણ વિકેટ ઝડપી હતી.
બુમરાહની કરકસરભરી બોલિંગ
બુમરાહ ખૂબજ કરકસરથી બોલિંગ કરે છે. બુમરાહ આ આઈપીએલમાં 13 વિકેટ ઝડપી ચૂક્યો છે. જે આ સીઝનની સૌથી વધુ વિકેટ મેળવનાર બોલર તરીકેની સિધ્ધ છે. તેણે પ્રતિ ઓવર છ રન જ આપ્યા છે.
અન્ય બોલરો સામાન્ય
કોએત્ઝીએ સીઝનમાં 12 વિકેટ ઝડપી છે પણ તે ખર્ચાળ પણ પૂરવાર થયો છે. આકાશ મધવાલ અને હાર્દિક પંડ્યા ખાસ પ્રભાવ નથી પાડી શક્યા. મુંબઈને આ કારણે શ્રેયસ ગોપાલ અને અફઘાનિસ્તાનના નાબી પાસેથી અસરકારક બોલિંગની આશા રાખવી ૫ડશે.
બેટિંગમાં મુંબઈ સુર્યકુમારને આભારી
રોહિત શર્મોએ આ આઈપીએલમાં સદી ફટકારી છે. તેને બાદ કરતા તે ઈનિંગ બિલ્ટ અપ નથી કરી શક્યો. ઈશાન કિશનનું ફોર્મ પણ તે હદે પ્રભુત્વ જમાવતું નથી. તિલકવર્મા પણ સાધારણ રહ્યો છે.
મુંબઈની જીત બોલિંગમાં બુમરાહને તો બેટિંગનો સુર્યકુમાર યાદવને આભારી છે. પંજાબ સામે તેણે 53 બોલમાં 78 રન ફટકાર્યા હતા. રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને બંને વચ્ચેના પ્રથમ મુકાબલામાં છ વિકેટથી હરાવ્યું હતું.