'CSKમાં કેપ્ટન બની શકે છે રોહિત', પૂર્વ ખેલાડીએ હિટમેનને ધોનીની ટીમમાં સામેલ થવાની સલાહ આપી
IPLની 17મી સિઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે
Image: Social Media |
Ambati Rayudu Advised Rohit Sharma : IPLની 17મી સિઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે. ટુર્નામેન્ટના સૌથી સફળ કેપ્ટનમાંથી એક રોહિત શર્મા આ વખતે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટનના રૂપમાં નહીં, પરંતુ એક ખેલાડીના રૂપમાં મેદાનમાં ઉતરશે. તેના સ્થાને ફ્રેન્ચાઇઝીએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો છે. એવી અટકળો ચાલી રહી હતી કે રોહિત મુંબઈ સાથેના સંબંધો તોડીને કોઈ અન્ય ટીમ માટે રમશે, પરંતુ હજુ સુધી એવું બન્યું નથી. આ દરમિયાન ચેન્નઈ સુપર કિંગ્સના પૂર્વ ખેલાડી અંબાતી રાયડુએ રોહિતને લઈને મોટું નિવેદન આપ્યું છે.
રોહિત CSKની કેપ્ટનશિપ માટે શ્રેષ્ઠ ઉમ્મેદવાર
અંબાતી રાયડુએ કહ્યું હતું કે, “રોહિતને આવતા વર્ષે ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમતો જોવા માંગુ છું. તે ધોની પછી CSKની કેપ્ટનશિપ માટે શ્રેષ્ઠ ઉમ્મેદવાર છે. રોહિત આગામી 5-6 વર્ષ સુધી આરામથી IPL રમી શકે છે.” રાયડુનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યું છે. કેટલાક ચાહકોએ રાયડુનું સમર્થન કર્યું તો કેટલાકે તેની ટીકા કરી છે.
‘CSKનું નેતૃત્વ કરવું રોહિત પર નિર્ભર કરે છે’
રાયડુએ વધુમાં કહ્યું, "હું નજીકના ભવિષ્યમાં રોહિતને CSK માટે રમતા જોવા ઈચ્છું છું. તે લાંબા સમયથી મુંબઈ ઈન્ડિયન્સ માટે રમ્યો છે. તે સારું રહેશે જો તે CSK માટે રમી શકે અને ત્યાં પણ જીતી શકે. CSKનું નેતૃત્વ કરવું તે રોહિત પર નિર્ભર કરે છે. રોહિતને આ અંગે નિર્ણય લેવાનો અધિકાર છે. તે કેપ્ટન બનવા માંગે છે કે નહીં તે તેનો નિર્ણય છે.”
ધોનીએ શરુ કરી ટ્રેનિંગ
IPL 2024માં ધોની કેવી રીતે રમે છે તે જોવું રસપ્રદ રહેશે. આ તેની ટુર્નામેન્ટમાં તેની છેલ્લી સિઝન હોઈ શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી ઘૂંટણની ઈજામાંથી સાજા થયા બાદ ધોની નવી સિઝનમાં CSKની કેપ્ટનશિપ માટે સખત મહેનત કરી રહ્યો છે. તે ચેન્નઈ પહોંચી ગયો છે અને ત્યાં તેના સાથી ખેલાડીઓ સાથે ટ્રેનિંગ શરૂ કરી દીધી છે.