'આ મારી છેલ્લી IPL…', RCBની સતત હાર વચ્ચે દિગ્ગજ ક્રિકેટરના નિવેદનથી ચાહકોમાં ચિંતા
Image:IANS |
RCB : IPL 2024ની શરૂઆત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે ખૂબ જ ખરાબ રહી છે. ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આ IPL સિઝનમાં અત્યાર સુધી કુલ 5 મેચ રમી છે, પરંતુ તે માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહી છે. આવી સ્થિતિમાં ફરી એકવાર RCB પ્લેઓફમાંથી બહાર થાય તેમ લાગી રહ્યું છે. RCB હાલમાં 5માંથી એક જીત સાથે પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે. આવી સ્થિતિમાં RCBના એક અનુભવી ખેલાડીએ તેના ચાહકોને મોટો ઝટકો આપ્યો છે. RCBના દિગ્ગજ ખેલાડીએ જાહેરાત કરી છે કે આ તેની છેલ્લી IPL સિઝન છે.
દિગ્ગજના નિવેદનથી ચાહકોની ચિંતા વધી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના દિગ્ગજ ખેલાડી દિનેશ કાર્તિકે પોતાના નિવેદનથી બધાને ચોંકાવી દીધા છે. અત્યારે પણ જ્યારે RCBને રનની જરૂર હોય છે ત્યારે ચાહકો તેને યાદ કરે છે. પરંતુ હવે દિનેશ કાર્તિકે IPLમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. કાર્તિકના આ નિર્ણયથી માત્ર ફ્રેન્ચાઇઝીને જ ઝટકો નથી લાગ્યો પરંતુ તેના લાખો ચાહકોને પણ ઝટકો લાગ્યો છે. દિનેશ કાર્તિકે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈન સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, “આ મારી છેલ્લી IPL સિઝન છે.”
માત્ર એક મેચમાં મળી RCBને જીત
IPLની આ સિઝનની શરૂઆતની મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમી હતી. RCBની ટીમ WPL 2024માં ટ્રોફી જીતી ચૂકી છે, તેથી ચાહકોને આશા હતી કે RCB મેન્સ ટીમ પણ આ વર્ષે IPL ટ્રોફી ચોક્કસપણે જીતશે, પરંતુ અત્યાર સુધી રમાયેલી કુલ 5 મેચોમાં RCB જીતે તેવું લાગતું નથી. RCBની ટીમ અત્યાર સુધી એકમાત્ર મેચ જીતી છે જે પંજાબ કિંગ્સ સામે રમાઈ હતી, આ મેચમાં દિનેશ કાર્તિકનું મહત્વનું યોગદાન હતું.