IPL 2024: 20 લાખના ખેલાડીએ કામ કર્યું કરોડોનું, પંજાબના આ 'સાવજે' મુંબઈ ઈન્ડિયન્સને હંફાવ્યું
Who is Ashutosh Sharma: પંજાબ કિંગ્સના ફિનિશર આશુતોષ શર્માએ IPL 2024ની મેચમાં પંજાબને હંફાવ્યું હતું. ગુરુવાર 18મી એપ્રિલની રાત્રે તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે પણ શાનદાર ઈનિંગ રમી હતી. તેમ છતાં તેની ટીમ જીતી ન હતી.
આશુતોષે MI સામે માત્ર 28 બોલમાં 2 ફોર અને 7 સિક્સર ફટકારીને 61 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેની શાનદાર ઇનિંગ જોયા પછી લોકોને તેના વિષે જાણવાની ખૂબ જ ઉત્સુકતા છે. એવા તે ક્યાંથી આવ્યો છે, ડોમેસ્ટિક ક્રિકેટમાં એ કઈ ટીમ માટે રમતો હતો એ જાણીએ.
આશુતોષ શર્મા કોણ છે?
આશુતોષ શર્માનો જન્મ મધ્યપ્રદેશના રતલામમાં થયો હતો. આ 25 વર્ષીય ખેલાડી માત્ર 10 વર્ષની ઉંમરે પોતાના ક્રિકેટ ટેલેન્ટની નિખારવા માટે ઇન્દોર જતો રહ્યો હતો. ખૂબ જ મર્યાદિત સંસાધનો વચ્ચે તેણે પોતાના બોલ બોય અને અમ્પાયર તરીકે કામ કરવાની શરૂઆત કરી હતી. આશુતોષ વર્ષ 2022માં રેલવે તરફથી પ્રસ્તાવ મળ્યો અને તેણે રેલવે માટે રમવાનું શરુ કર્યું હતું.
તેણે અત્યાર સુધી 4 ફર્સ્ટ ક્લાસ, 7 લિસ્ટ A અને 16 T20 મેચમાં અનુક્રમે 268, 56 અને 450 રન બનાવ્યા છે. આ ઉપરાંત ગયા વર્ષે તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 11 બોલમાં અડધી સદી ફટકારીને યુવરાજ સિંહનો રેકોર્ડ તોડ્યો હતો.
આશુતોષે અરુણાચલ પ્રદેશ સામે 12 બોલમાં 53 રનની ઇનિંગ રમી હતી, જે દરમિયાન તેણે 1 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. આ ઇનિંગ દરમિયાન, તે પંજાબ કિંગ્સના કોચ સંજય બાંગરની નજરમાં પડ્યો અને IPL 2024ની હરાજીમાં પંજાબ કિંગ્સે આશુતોષને 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં ખરીદ્યો હતો.
મુંબઈ સામે આશુતોષનું શાનદાર પ્રદર્શન
પંજાબ કિંગ્સે 9.2 ઓવરમાં 77 રનના સ્કોર પર 6 વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે MI સામે આશુતોષ શર્મા મેદાનમાં આવ્યા હતા. ત્યારબાદ આશુતોષે આવીને 217.86ના સ્ટ્રાઈક રેટ સાથે 61 રનની આ શાનદાર ઈનિંગ રમી હતી.
આ ઇનિંગ દરમિયાન તેણે જસપ્રીત બુમરાહને ફાઇન લેગ તરફ શાનદાર સિક્સર ફટકારી હતી. તેમજ આકાશ માધવાલના બોલ પર રિવર્સ સ્કૂપ ફટકારીને વાહવાહી મેળવી હતી.